મોટરગાડી અને ઘોડાગાડીની વચ્ચે પટકાઈ પડેલી સાઈકલનો કુચ્ચો થઇ ગયો હતો, ને તેની આગળ જે સાઈકલ-સવાર છોકરો પછડાયો હતો તેના માથામાં ઊંડો ચીરો પડી લોહીધાર ચાલી હતી. એ લોહી નીકના પ્રવાહની ઝપટમાં ઓચીંતાં આવી પડેલાં કીડી મંકોડા અંદર તરફડતાં તરફડતાં બહાર નીકળવા ફાંફાં મારતાં હતાં.
પડેલા છોકરાની આસપાસ ચોપડીઓ વેરાઇ ગઈ હતી. ખુલ્લી પડેલી ચોપડીઓનાં ઉઘાડાં પાનાંમાં કોઇ ઠેકાણે કવિતા હતી, કોઇકમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનું તલવારધારી ચિત્ર હતું, તો ત્રીજી ચોપડી ગણિતના કોઈક વિચિત્ર કોયડાવાળું પાનું ખુલ્લું કરી પડી હતી. એક ચોપડી તો હજુ ય એ પડેલા કિશોરની બગલમાં દબાયેલ હતી.
'ચાલવને તું તારે.' એમ કંચન કહેવા ગઇ, ત્યાં તો લોકોએ છોકરાના ઊંધા પડેલા દેહને ચતો કર્યો. પછી કંચન 'ચલાવને' ન કહી શકી. એણે ચહેરો ઓળખ્યો. 'બા'કાર યાદ આવતાં અને ચહેરો પ્રકટ થતાં એણે પોતાની સામે ચગદયેલો પડેલો દેવુ દીઠો. એની આંખોના ડોળા ફાટ્યા. એ નીચે ઊતરી. દેવુના હોઠ વચ્ચે હજુ ય જાણે 'બા' શબ્દ, અધૂધડા દ્વારના ઊંબરમાં ઊભેલા કોઇ નાના બાળ