આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મરતી માએ સોંપેલો ! : ૨૦૫


ઝાડીમાં ચાલતા મુસાફરને શરીરે ઉઝરડા ચાલે તેમ કંચનના વિચારો ચાલ્યા.

મુંઝાતી એ ટેલીફોન પર ગઇ ને એણે નંબર જોડ્યો. પાડોશી શેઠઘરના કોઇ કુટુંબીએ પૂછ્યું, 'કોણ છો ? કોનું કામ છે ?'

પલવાર એ બોલી ન શકી. પછી કહ્યું 'તમારી પાડોશમાં પ્રોફેસર રહે છે.....'

'હા, તેનું શું છે? તમે કોણ છો ?'

'ઇસ્પિતાલનું માણસ છું. એન કહોને જલદી ઇસ્પિતાલે આવે.'

'કેમ ?'

'એનો પુત્ર દેવેન્દ્ર ચગદાઇ ગયો છે-' આંહીં કંચને ટેલીફોન છોડી દીધો. કેમ કે એનો કંઠ રૂંધાતો હતો.

હિંમત કરીને એ ઓપરેશન-હૉલને બારણે ઊભી રહી. ડૉક્ટરે ધોયેલાં દેવુનાં લમણાં પર એણે જખમ દીઠો. મોટરના મડ-ગાર્ડે એનું લમણું ચીરી નાખ્યું હતું. ને લોહી બંધ થવાને પરિણામે એ ઊંડો ઘા વધુ ભયાનક ભાસતો હતો. અને દેવુના લલાટનો વિશાળ પટ વધુ વિશાળ લાગતો હતો. એ કપાળ પર લાંબા કેશની લટો નહોતી. એ કાઠિયાવાડમાં રહેતો ત્યાં સુધી એને ઝીણા વાળ કરાવી માથું બને તેમ ચોખ્ખું ને હળવું રાખવાની ટેવ હતી. અમદાવાદ આવ્યે પાંચ મહિના વીત્યા હતા, પોતે બાઈસિકલ શીખી જઇને નિશાળે બાઈસિકલ પર જતો થયો હતો, કોટ અને પાટલુન પણ પહેરતો, પણ વાળ લાંબા નહોતો વધારતો. ને એના મોંની ભરાવદાર સુંદરતાને ને સ્વચ્છ કાંતિને કેશના શણગારની જરૂર પણ ક્યાં હતી ? એનું ખરું રૂપ એની પાણીદાર આંખોમાં ઝલકતી મોતી જેવી કીકીઓમાં હતું.