આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મરતી માએ સોંપેલો ! : ૨૦3


લપેટેલી પછોડી : હાથમાં સીસમની લાક્ડી. કપાળે ત્રિપુંડ : ત્રિપુંડ નીચે સળવળતી કરચલીઓ.

'અંદર છે.' કહેનારી એ યુવાન સ્ત્રી પરથી ડોસાની નજર ઝપટમાં ફરી ગઇ ને એ પરિચિત ચહેરો કોનો છે તેટલી યાદ આવે તે પહેલાં તો એણે દેવુના દેહને ટેબલ પર દીઠો. જોતાં વેંત એણે હાક દીધી, 'કાં બેટા, કેમ છે ? શું થયું ?'

દેવુ બેભાન હોવાની એને ક્યાં ખબર હતી ? ડોક્ટરે નાકે આઅંગળી મૂકીને એને ચ્પ રહેવા કહ્યું.

'તમે કેમ ?' બાંયો ચડાવી હાથમાં શસ્ત્ર લેતા ડોક્ટરે આ વૃદ્ધને ઓળખ્યા નહિ; 'તમારે આ શું થાય ?'

'મારો પૌત્ર.' એટલો ઉચ્ચાર જ આ વૃદ્ધ પુરુષના શિક્ષક-સંસ્કારને ઓળખાવવા બસ હતો.

ડોસા નજીક જઇ દેવુના હાથને પોતના હાથમાં લેવા લલચાયા, પણ ઓચીંતું એને પોતાના વર્તનનું ગેરવ્યાજબીપણું ખ્યાલમાં આવ્યું. એની આંખો, આટલા સ્પર્શની રજા માગતી, ડોક્ટર તરફ ફરી. ડોક્ટરે હસતે હસતે કહ્યું :

'અડકી શકો છો. ચિંતા કરશો નહિ. બ્રેઇન પર અસર થઈ જણાય છે. માટે એ મારે ખોલવુંપડશે. પણ ચિંતા ન કરશો. તમે કોણ, પ્રોફેસર વીરસુતના પિતા થાઓ છો ?'

એ પ્રશ્નમાં ડોક્ટરનો અવાજ આ વૃદ્ધ પ્રત્યે સન્માનવૃત્તિ દાખવી રહ્યો. કાઠિયાવાડની શાળાનો એક સાધારણ પેન્શનર માસ્તર, પોતાના સ્વજનની આ દશા સામે જે ધૈર્ય દાખવી રહ્યો હતો તે ધૈર્યે એના વ્યક્તિત્વને એની સન્માનપાત્ર ભવ્યતા દીધી.