આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સસરાના શબ્દે શબ્દે કંચનના મનનું ત્રાજવું ઝોલાં ખતું રહ્યું. થોડી વાર શંકા સજ્જડ બને છે કે સસરા મને ઓળખી કાઢીને જાણીબૂઝીને આ મર્મઘાતો કરી રહ્યા છે, તો વળતી ક્ષણે પલ્લું બીજી બાજુએ નમે, કે બુઢ્ઢાએ મને ઓળખ્યા વગર કેવળ પોતાની મૂવેલી પુત્રવધૂ પ્રત્યેના સ્નેહનો ને માનનો સંઘરો જ ઠાલવવા માંડેલ છે.
ત્રાજવાની દાંડી હાલકલોલ બનતી રહી અને છેવટે બેઉ પલ્લામાં કંચનની કલ્પના જીવતાં બે માનવીઓને જોખી રહી : દેવુની બા અને સસરો. જગતની એ પણ એક અપરૂપ જોડલી.
દેવુની બાની મરણ-પથારીનું એ ટૂંકું જ વર્ણન બસ હતું : મરતે મરતે પણ એ સ્ત્રીએ પોતાની શોક્ય બની આવનાર કોઈક અજાણી નારીની અગવડ સગવડ વિચારેલ હશે ! આટલી ઝીણવટથી, આટલી ચોકસાઇથી !
એ જ સ્ત્રીનો જણ્યો મને પારકીને, મને અતડીને, મને ભાગેડુને, મને હરાયા ઢોરને 'બા'કહી બોલાવતો બોલાવતો મૃત્યુ-મુખમાં ધસી ગયો.