આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૧૪ : તુલસી-ક્યારો


જિજ્ઞાસાને પણ મુલતવી રાખી, લાંબી પરશાળ પર પોતાનાં ટેનીસ-બૂટ વડે લસરતો જ્યારે એ સામેની પગથી પર પહોંચ્યો ત્યારે એ પરિચિત બરડાવાળી નારી દૂર દૂર પગલાં દઈ રહી હતી, વચ્ચે વચ્ચે થોડી થોડી વારે થંભતી હતી, પાછા ફરવું હોયની જાણે, પણ પરાણે કોઇ ધકેલી ઉપાડી જતું હોયની જાણે, એવો કોઈ ઉચ્ચાર એની ગતિમાં હતો-ને એની પીઠ જાણે દૂરથી કંઇ બોલું બોલું કરતી હતી.

ના રે ના ! કંચનની તે આવી મુફલિસ દશા હોય ! એની તો મોટરસવારી જ હોય. ને એ ચાલી જતી હોય તો સાડીનો છેડો એના માથા પર શેનો હોય ? એ તો ગરદનથી નીચે ઢળતો હોય ને ! અને ગરદન કેવી ઘાટીલી સંઘેડાઉતાર, કેવી ગુલાબી, કેવી માર્દવભરી દેખાતી હોય ? ચોટલાની છૂટી વેણીને છેડે સોનેરીભર્યાં શ્યામ ઊનનાં ફૂમકાં કેવાં ફંગોળા લેતાં જતાં હોય !

હાય રે હતભાગી જીવ ! આંહીં એક અજાણી નારીના બરડાની જિજ્ઞાસાએ દોડ્યા આવવાની કેવી પામરતા ! ભાભી જાણે તો શું ધારે ?

પરશાળ પર પાછો ચાલતો આવ્યો ત્યારે ભદ્રાના જ વિચારો આવ્યા. મર્માળું મોં મલકાવતાં ભદ્રા ભાભી તરવરી રહ્યાં. ભદ્રાના બોલના ભણકારા વાગ્યા : 'થોડુંક ખમી ખાશો તો સૌ સારાં વાનાં થઇ રે'શે. ખીલે આવ્યા વગર ઢોર ક્યાં જઇ ઝંપશે ? બે દા'ડા વે'લું કે બે દા'ડા મોડું ઇ તો, હો ભૈ ! પણ એ આવ્યા પછી અમને તો કાઢી જ મેલશો ને હેં ભૈ !'

પણ આ વિચાર શા માટે ? કંચન પાછી ફરે એ હવે જરૂરનું રહ્યું છે ? હું શું આત્મતૃપ્ત નથી ? ભદ્રા ભાભીમાંથી મને શું નથી સાંપડી રહેતું ! એની અક્કેક મીટમાં મીઠો મહેરામણ લળકે છે ને ! એનો દેહસ્પર્શ અશક્ય ભલે હો, એનો સ્નેહસ્પર્શ કંઈ ઓછો