આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨ : તુલસી-ક્યારો

'ચાલ ચાલ હવે પાજી, એ તો મેં જ તને કહ્યું હતું.'

'તેની હું ક્યાં ના કહું છું? હું પણ તે જ કહું છું ને ! હું કહું છું તે જ તમે કહો છો. તમે મને જે કહ્યું છે તે જ હું તમને કહું છુ ને !'

છોકરો આમ બોલવામાં કશું જ પાજીપણું નહોતો કરતો તેની તો દાદાને ખાતરી હતી. પણ ભોળો છોકરો એવી ભ્રમણામાં પડ્યો હતો કે પોતે જ કેમ જાણે આ નવીન સત્ય શોધી કાઢ્યું હોય ! દેવુની દાનત દાદાએ કહેલા સત્યને તફડાવી કાઢીને પોતાના ડહાપણરૂપે બરાડા મારવાની નહોતી, પણ દાદાના એ વાક્યે દેવુમાં એટલું તાદાત્મ્ય કરી નાખ્યું હતું કે એ વાક્ય દાદાએ કહ્યું છે એની જ દેવુને આત્મવિસ્મૃતિ થઈ હતી. પોતાની જ એ સ્વતંત્ર માન્યતા બની ગઈ હતી. આ માન્યતાએ દેવુને રંગી નાખ્યો હતો. એપૂરું સમજ્યા વિના જ માનતો થઈ ગયો હતો કે "કોને ખબર કોના પ્રારબ્ધનું ખાતા હશું."