આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૨૦ : તુલસી-ક્યારો


પછી ભાસ્કરે એના સાસર-ઘરે જવાની પણ હિંમત કરી હતી. એ ગયો ત્યારે કોઈ અપરાધી આવ્યો હોય, કોઈ કોહેલો સડેલો, કોઈ કોઢીઓ રક્તપીતીઓ આવ્યો હોય, કોઈ કાવતરાબાજ આવ્યો હોય, એ રીતે સૌ તેની સાથે (ઉપરછલો વિવેક રાખીને બેશક) વર્ત્યાં હતાં. ને એણે તારાના પતિને જ્યારે પૂછ્યું કે 'કોઈ કોઈ વાર એને મારી ધર્મબહેન તરીકે મળવા આવતો રહીશ' ત્યારે એણે જવાબ વાળેલો કે 'આજે આવ્યો તે આવ્યો, ફરી વાર આવ્યો તો ઢીંઢું જ ભાંગી નાખીશ.'

ભાસ્કરે કહેલું 'શું મારો એના ઉપર હક્ક નથી ? એક વખત એ શું મારી...'

જવાબમાં એણે તારાના વરની સમસમતી થપાટ ખાધેલી.

તેના જવાબમાં ભાસ્કરે ઘણા પત્રો લખેલા, જેની પહોંચ પણ મળી નહોતી.

પણ તે અનુભવે ભાસ્કરને હૈયે એક હુતાશન ચેતવી મૂક્યો હતો. એ હતો પારકી સ્ત્રીઓ પર સ્વામીત્વ મેળવવાનો ઇચ્છાગ્નિ. ને તેણે વીરસુતને માર મારવામાં વૈર વાળ્યું હતું - પેલા તારાના વરે મારેલ તમાચાનું.

કંચનથી કંટાળેલો ને નવા યુગની છોકરીઓથી ખીજે બળેલો ભાસ્કર એ દિવસની સાંજે જ્યારે અંદરથી કરકોલાઈ રહ્યો હતૉ, ત્યારે એકાએક એને વીરસુતના ઘર તરફ આંટો મારવાનો મનસૂબો ઊપડ્યો.

આ મનસૂબો સાવ એકાએક ઊપડ્યો એ તો ન કહી શકાય. અમદાવાદમાં પાછા આવ્યા પછી એને કાને પણ વીરસુતની વાતો પડ્યા કરતી હતી. વીરસુતના સળગેલા સંસારમાં નવપલ્લવિત સ્થિતિ આણનાર પેલી વિધવા ભાભી ભદ્રા હતી તે જાણ્યા