આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૨૬ : તુલસી-ક્યારો


ખબર રાખી નહોતી, પણ ઊડતા ખબર સાંભળ્યા હતા કે મનુ સીવીલીઅન થઇને પાછો આવેલો તે પછી એકાદ વર્ષમાં કોણ જાણે શું થયેલું કે જગદીશ વકીલે એની સ્ત્રી યમુનાને ત્યજી દીધી હતી. એની ખોરાકી પોશાકીનો કશોક કેસ પણ થયેલો ખરો !

પણ યમુના ગાંડી કાં થઇ ગઇ ? એમાં એટલી બધી 'સેન્ટીમેન્ટલ' (લાગણીપ્રધાન) બનવા જેવું શું હતું ? સીવીલીઅન થઇને મનુ પાછો આવ્યો ત્યારે એની પાછળ ગાંડી બનવાનું શું પ્રયોજન હતું ? જગદીશ વકીલ શું ખોટો હતો ? પહેલી વારના ઉદ્ભ્રાંત આવેશોને ન ભૂલી શકનારી સ્ત્રીઓ દુઃખી થાય તેમાં નવાઈ પણ શી ?

પણ યમુના આને ઘેર ક્યાંથી ? વીરસુત તો હળવદનો રહીશ છે; ને યમુનાનો પિતા તો વર્ષોથી જયપુરમાં જ રહેતો. બેઉને કોઈ દિવસ કશી ઓળખાણ પણ હોવાનું મેં જાણ્યું નથી. છોકરી જન્મીને ઉછરી હતી પણ જયપુરમાં. કશા પરિચય વગર એ વીરસુતને ઘેર ક્યાંથી ?

ભાસ્કરને ખબર નહોતી કે યમુના વીરસુતના પિતાના દૂરદૂરના બનેવીની દીકરી હતી. ને બનેવીની પુત્રી અનાથ બની ગઇ હતી તે એક જ વાત એ અર્ધજૂના અર્ધનવા એવા મિશ્ર સંસારી માસ્તરને પીગળાવવા બસ હતી. દેવુના દાદાએ યમુનાને ગટરમાંથી ઉઠાવી લીધી હતી. વીરસુતને જ્યારે જ્યારે 'પારકી પળોજણ ઘરમાં ઘાલવા' વિષે પિતાને ઠપકો આપેલ ત્યારે પિતાએ એક જ જવાબ વાળેલો તે વાચકને યાદ તો હશે, કે 'કોને ખબર ભાઇ, કોના પ્રારબ્ધનો દાણો આપણે સૌ ખાતા હશું !'

ભાસ્કર એ આખા પ્રકરણને ઊર્મિહીન, સ્વસ્થ આદમીની અદાથી સંકેલી લેતો લેતો ચાલ્યો જતો હતો, ત્યારે સંકેલવાની ક્રિયા બરાબર થઇ શકતી નહોતી; ઘડીઓ બગડી જતી હતી; યમુનાની