આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બત્રીસમું
રૂપેરી પરદો

પરેશન પછી પહેલી વાર દેવુએ જ્યારે દવાખાનાના ઓરડામાં આંખો ઉઘાડી ત્યારે એનાં ઓશીકા પર ભદ્રા ભાભુનું વાળ વગરનું માથું દેખાયું ને એના કપાળ પર ચૂડલી વગરના સ્વચ્છ, ભૂરી રૂંવાટીવાળા ઘઉંવરણા હાથ ફરતા હતા તે દેખાયા.

ઊંચકેલી પાંપણો નીચી કરીને એણે બાજુએ જોયું તો ભદ્રાના કરતાં ય વધુ શ્વેતવરણી, દક્ષિણી નર્સ એક હાથે એના હાથની નાડ દબાવતી ને બીજા હાથે થર્મામીટર મોંમાં મૂકતી ઊભી હતી.

ઘણી લાંબી મંજિલ ખેંચીને પોતે અનંત વેરાનમાંથી જાણે સૃષ્ટિમાં પહોંચ્યો હતો. આ દવાખાનાની દુનિયા એણે કદી દીઠી નહોતી. દવાખાનાનાં માનવીઓ, રૂપે રસે ને ગંધે સ્પર્શે સામાન્ય જગતથી જુદાં પડતાં હતાં. માંદગી અને અશક્તિને બિછાને પડ્યાં પડ્યાં આટાલા હસતા ચહેરા, આટલો ઉજાસ, આટલી રસાએલી સંધ્યા, ને આટલી, ઊજળી, સમદરનાં ફીણ શી પથારી મળે છે એવો અનુભવ અગાઉ કદી માંદા ન પડેલા દેવુને પહેલી જ વાર થયો.

પણ તેણે ફરીફરીથી ચોમેરે જોવા માંડ્યું. બારણા બહારથી પરશાળમાં પસાર થતી સ્ત્રીઓના ચહેરા શોધતો એ આંખો ખેંચવા લાગ્યો.