આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ત્રીજું
ભદ્રા

છોકરાની દ્વારા એની માતા જ ફરીથી બોલતી લાગે છે." એવા એક મનોદ્ગાર સાથે ડોસા પોતાના આંગણાની કૂઈ પર નહાવા ગયા; દેવુ પણ સાથે નહાવામાં શામિલ થયો. નહાતાં નહાતાં ઠંડીનું ભાન ભુલાવી દેતા શ્લોકોનું રટણ ચાલતું હતું. દાદાના કંઠમાં હિન્દની તમામ જીવનદાત્રી નદીઓનાં એક પછી એક નામો છંદધારે વહેતાં હતાં. નાનો દેવુ એ શ્લોક-રટણમાં પોતાના કિશોર કંઠનો પંચમ સૂર મિલાવીને ઠંડી ઉરાડાતો હતો. સંગીતનો આસવ ગળામાં ઘૂંટાતો હતો, સાથોસાથ પોતે અનાયાસે ભૂગોળ પણ ભણતો હતો. દાદાની ડોલમાંથી પોતાનાં મસ્તક પર રેડાંતા એ ઘર આંગણની કૂઈનાં નીરને ને આ રાષ્ટ્રવ્યાપી નદનદીઓનાં જળને કોઈક પ્રાણસંબંધ છે, કોઈક રહસ્યમય મિલનભોમ છે, કશીક ગુપ્ત એકાત્મતા છે, તેવા ધ્વનિ એના મગજમાં ઘૂમતા.

ઘરમાં હજુ દીવો નહોતો થયો. રસોડામાં બળતો ચૂલાનો તાપ બાજુના ઓરડામાં જ થોડું ઘણું અજવાળું ફેંકતો હતો તેનાથી સંતોષ માનતાં વિધવા ભદ્રા વહુ અનસૂયાના બરડામાં થતી વેદના પર હાથ પસારતાં એક પ્રભુપદ ગાન ગાઈ અનસૂના કાન વાટે વ્યાધિશમનની એ દિવ્ય દવા રેડતાં હતાં.