આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૩૨ : તુલસી-ક્યારો


તેથી અધૂરા ઊતરેલ પાટલૂને બાળકને તેડી લેવાની એને ફરજ પડતી. કોઇ ઠેકાણે બહારથી આવેલા પતિ અને એની સામે ઊભેલી સ્ત્રી વચ્ચે, સામસામા જુસ્સાભેર હાથ લંબાતા હતા તે બતાવતા હતા કે બે વચ્ચેનું આખા દિવસની જુદાઈ પછીનું મિલન પણ સમરાંગણ પરનું શત્રુ-મિલન હશે. દૂર દૂરનાં મકાનોની અંદર ચાલતી ક્રિયાઓના અવાજો નહોતા સંભળાતા, પણ દૃશ્યોની દરેક નાની મોટી ચેષ્ટા સ્પષ્ટ દેખાતી હતી. જાણે એ જગતનો સાચો ને સર્વશ્રેષ્ઠ રૂપેરી પરદો હતો.

કોઈ દિવસ ન જોવા મળેલું આ એકસામટા અનેક ગૃહસંસારોનું આંતર્દૃશ્ય નિહાળવામાં ભદ્રા એટલી તો તલ્લીન થઇ હતી કે તેણે પોતાની પીઠ પાછળ પ્રવેશ કરનારી સ્ત્રીનાં હળવાં પગલાંની મખમલિયા ચંપલો સાંભળી નહિ. એ સ્ત્રી છેક બિછાના પાસે આવીને સૂતેલા દેવુને નિહાળતી નિહાળતી, ભદ્રા જે દૃશ્ય જોતી હતી તે પોતે પણ જોવા લાગી.

એક મેડીમાં મચેલા મામલા પર બેઉની આંખો ખૂતી ગઇ. પત્ની એક લાંબા અરીસા સામે ઊભી ઊભી શણગાર કરી રહી છે : પતિ તેની પાછળ તેનાં ખભાં ઝાલી ઊભો ઊભો, પોતે ઊંચો હોઇ કરીને, આયનામાં પોતાનું પ્રતિબિંબ ભરચક કરી મૂકે છે : પત્ની એ તોફાન કરનાર ઊંચા મોંને પાછળથી બે હાથે ઝાલી, મચરક દઈ, પોતાના ગાલ પર નમાવે છે.

'હા-હા-હા-માડી રે !' ભદ્રા આંહીં ઊભી ઊભી હસી પડે છે. પણ પાછળ જોતી નથી. ત્યાં સુધી સલામત ઊભેલી પાછળની સ્ત્રી પણ એકીટશે જોઇ રહી છે એ જ દૃશ્ય, પણ તેના મન પર એ જોવાની અસર ભદ્રાને થયેલ અસરથી ઊલટી છે. એના મોંમાંથી