આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ તેત્રીસમું
સિદ્ધાંતને બેવફા


બા દીકરો દાખલ થયા-અને સાંજે ત્રણ ક્રિયાઓ એકી સાથે બની.

ભદ્રાએ સાડીનો છેડો ખેંચી સસરાની આછી લાજ કાઢી, કંચન ચમકીને આવનાર પુરુષોની સન્મુખ થઇ ગઇ, અને ઊંઘતા દેવુએ આંખો ઉઘાડી.

બાપ દીકરાની આંખોએ કંચનનું મોં જોઈ લીધું. ઝડપભેર કંચન પાછી દેવુના પલંગ તરફ ફરી ગઈ. દેવુ એ કંચનને દીઠી. દેવુનો દુબળો સ્વર બોલી ઊઠ્યો 'બા !'

વધુ એ બોલી શક્યો નહિ. એના માથાનો પાટો દડ દડ પડતાં અશ્રુજળે પલળવા લાગ્યો.

દેવુના પલંગના સળીઆ પકડી લઇને કંચને આધાર મેળવ્યો. બોલ્યા વગર એ દેવુ તરફ જોઈ રહી.

ભદ્રા ક્યારની દેવુને બિછાને પહોંચીને નીચે બેસી ગઈ હતી. સસરા તરફ સહેજ અંતર્પટ કરી રાખીને કંચન તરફ તાકતી હતી ને કહેતી હતી ધીમા સાદે, કે 'આંહીં આવો ને !' પણ કંચન