આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૩૮ : તુલસી-ક્યારો


એને વીરસુત કશો જવાબ આપે તે પૂર્વે તો એ બારણું ખોલી વીરસુતની બાજુની બેઠક પર ચડી બેઠો. હા ના કશું કહેવાની વેળા મળે તે પહેલાં તો બેઉએ પરસ્પરને પિછાન્યા, ને એ ચડી બેઠેલા ભાસ્કરે કહ્યું 'ઓહો ! તું જ છે કે ભાઈ ? સારું થયું. હાંક જલદી, પછી વાત કરું છું.

વીરસુતે ભાસ્કરને છેલ્લો જોયેલો તે પ્રસંગ એને તાદૃશ થયો : પોતાને ભાસ્કરે એને ઘેર ગડદા પાટુએ મારી અધમૂવો કરેલો તે પ્રસંગ : પોતાની પત્ની કંચનના હાથે એ માથામાં તેલ ઘસાવતો હતો એ પ્રસંગ : તે પ્રસંગ યાદ આવતાં વીરસુત ગાડી હાંકતે હાંકતે રોમે રોમ થરથરી ઊઠ્યો. બાજુએ ચડી બેઠેલો આ અસુર પડખામાં ચપ્પુ કે છૂરી ઘોંચી દેવા તો નહિ આવ્યો હોય ? પણ અટકી જવાની એનામાં હિંમત નહોતી. મોટરને ચલાવતા એના હાથ યંત્રવત્ બની ગયા હતા.

'હું જોખમમાં છું, વીરસુત !' ભાસ્કરના શબ્દો નીકળ્યા. 'હું કદાચ પકડાઈ જઇશ, મારે જેલમાં જવું પડશે. ને મારે જામીન પર છૂટવું નથી.માટે જ મારે થોડો સમય મેળવવો હતો વીરસુત ! મારે તારે ઘેર જ આવવું હતું, પણ મારે તને નહિ, તારાં ભાભીને મળી લેવું હતું. તું કદાચ મળવા દે કે ન દે એમ સમજી હું તારે ઘેર તું આવી પહોચે તે પહેલાં જ પહોંચી જવા દોડ્યો જતો જતો.'

પ્રત્યેક શબ્દ વીરસુતનાં આંતરડાંને જાણ કે શૂળી પરોવી ઊંચાં કરતો હતો. આ હેવાનને ખતમ કરવા ખાતર મોટરને ઊંચી વાળવાનું વીરસુતને મન થતું હતું. મારી પત્નીને છીનવી ગયાથી સંતોષ ન વળ્યો તે હવે મારી ભાભીને પણ ઝૂંટવવા, ફસાવવા, ભોળવી જવા મારે ઘેર ભમતો હશે !