આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચોત્રીસમું
અણનમ

ચાલી નીકળેલા ભાસ્કરનું છેલ્લું સફેદ ટપકું અદૃશ્ય થયું તે પછી પણ વીરસુત બંગલાના ચોગાનમાં ઊભો હતો. એના દિલમાંથી સુખનું ચકલું ઊડી જઇ ને બહાર નીકરી ગયું હતું. ભાસ્કર જે કહી ગયો તે વાત એને ખોટી કે બનાવટી નહોતી લાગી. સાચી લાગી માટે જ એના મનમાં સંતાપ ઊપડ્યો. ભાસ્કર આવો સારો માણસ બની ગયો તે એનાથી સહન ન થયું. ભાસ્કર દુષ્ટ અને ખલ રહ્યો હોત તો એ રાજી થાત.

ને ભાસ્કરમાં આ સુજનતા પ્રગટવાનું નિમિત્ત કોણ બન્યું હતું ? ભદ્રા ભાભી ? ભદ્રાની પવિત્રતા વિષે આટલું અભિમાન કરવાનો હક્ક ભાસ્કરને ક્યાંથી મળ્યો?

ભાસ્કર કહી ગયો કે પોતે અહીં આવતો હતો. ક્યારે ? કેટલી વાર ? કેવો પરિચય બાંધ્યો હશે ? ભદ્રાના સ્ત્રીત્વનો ગર્વ કરવાની જાહેર હિંમત એ ત્રાહિત, એ દુર્જન કરી જ કેમ શકે ?

વીરસુતના મનમાં ઇર્ષ્યાએ વાસો કરી લીધો. પોતાના સંસારસુખ પર ફરી વાર દુશ્મનના હાથનો પંજો પડ્યો છે, પોતાના નવા બાંધેલા માળામાં ફરી વાર જૂનો સાપ પ્રવેશી ગયો છે, એવા દિલડંખ અનુભવતો એ ઘરમાં પેઠો.