આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૪૪ : તુલસી-ક્યારો


પાસે આસનીઉં પાથરીને રોજની અદાથી વીરસુતની સામે બેઠે બેઠી દેર માટે પાનપટ્ટી બનાવતી રહી. બેઠે બેઠે એણે ચોખાની કમોદ મંગાવવાથી માડીને 'તમે કાલે વીશ કેરી ખાધી હતી ને આજે પંદર ખાવ છો એમ કેમ ચાલે !' ત્યાં સુધીની વાતો કરી. પણ કંચનના કે ભાસ્કરના બની ગયેલા પ્રસંગો વિષે એણે ધરાર હોઠ સીવી રાખ્યા.

તૈયાર કરી રાખેલી પાનપટ્ટી અને ચૂરો કરી રાખેલ સોપારી એણે ખાઈ રહેલા દેરને હંમેશની અદાથી રૂપાની રકાબીમાં પીરસી લીધાં. હાથ લૂછેલો નેપકીન ઠેકાણે મૂક્યો, માટલીમાં પાણી નવું ભરેલું છે કે કેમ તે પણ તપાસી લીધું ને પોતે થાળી લોટો ઉપાડીને પાછી જવા લાગી. ત્યાં સુધી વીરસુતે આશા છોડી નહોતી. પણ ભોજાઇ ચાલતાં થયાં ત્યારે એની ધીરજ ન રહી શકી. એણે ધીરેધીરે વિષયની પ્રસ્તાવના કે પૂર્વતૈયારી કરવાનો પણ વખત વિચાર્યા વગર સીધું કહ્યું, 'પેલો ભાસ્કરીઓ જોયો ના ભાભી ! તમને ય સંડો...'

એ વધુ બોલી શકે તે પહેલાં તો ભદ્રા માથાનો ઘૂમટો નજીક ખેંચતી પાછી ફરીને બોલી, 'હોય ભૈ ! કેવા કેવા દખીઆ, કેવાય હૈયાના દાઝ્યા આ સંસારમાં પડ્યા છે ભૈ ! એ તો અકળાય ભૈ ! સૌને વિસમવા ઠેકાણાં ક્યાંથી મળે ભૈ ! હોય એ તો.'

બસ, એમ બોલીને એ જ્યારે ઊભી થઈ રહી ત્યારે એની દૃષ્ટિ એણે પરશાળ બહાર સીધી દેખાતી ક્ષિતિજ પર ઠેરવી. અંધારી બીજનો ચંદ્રમા ઊગતો હતો. ખુલ્લી પરશાળ નવા ચંદ્રતેજે છલકાતી હતી. એ અજવાળાંની ઝાલકમાં ભદ્રા વિધવા કરતાં ગૌરી સમી સુંદર ભાસી. એની આંખોના ચકચકતા કાચ ઉપર પરશાળ બહારના ચોકનો મોટો વીજળી-દીવો જાણે કે કિરણો પાથરતો હતો.