આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અણનમ : ૨૪૫


દેરે ઉચ્ચારેલા વિષયને ચાતરી-છટકી જવાનો જાણે કે ઇરાદો જ નહોતો. એવો ઇરાદો કલ્પનાર દેરની શંકાને જાણે પોતે વરતી ગઈ હતી. હજુય કોઇ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી લ્યો એવું જાણે પોતે સૂચવતી હતી. વીરસુત હિંડોળા પર સ્થિર થઈ ગયો. એણે ભદ્રાની સામે જોઇ રાખ્યું પણ ભદ્રાએ ચંદ્રનું દર્શન કરતે કરતે જમણી જ ગમથી પોતાનો રસ્તો લઈ લીધો.

વીરસુતની રાત્રિભરની નીંદને ઉતરડી નાખતી એ વેદના ચાલુ રહી. ભાસ્કર દખિયો, હૈયાનો દાઝેલ ને વિસામા વગરનો માણસ છે એ ભદ્રાએ શા પરથી જાણ્યું ! કેવડોક પરિચય ? મુરખાને માલૂમ નહોતું કે પાણીકળો જેમ ધરતી પર કાન માંડીને કહી આપે છે કે ઊંડા તળમાં અખૂટ જળપ્રવાહ કયે ઠેકાણે વહ્યો જાય છે , તેમ નારી ફક્ત સાનથી સમજી જાય છે કે પુરુષના જીવનમાં વસમાણ (વિષમતા) કેટલેક ઊંડાણે પડી છે.

ભદ્રા જ્યારે ધારે ત્યારે વિચારોની તમામ પેટીઓ બંધ કરીને ઘોરી શકતી હતી, ને વિચારોની કોઇ એકાદ પેટી ઉઘાડીને એકાદ પ્રહર પડી પડી જાગવા ધારે ત્યારે જાગી પણ શકતી. એ એકાદ પહોરનું જાગરણ તે રાત્રિએ એને ભાસ્કર વાળા બનાવે કરાવ્યું. દેરની ને પોતાની વચ્ચેનો સંબંધ લોકોની- અર્થાત્ નવરા, ઊજળિયાત બંગલાવાસીઓની જીભ પર ચડેલો છે તે તો ભદ્રા જાણતી હતી. પણ એ લોકાપવાદ એને નહોતો નડતો. ટેલીફોન કરવા એ પાડોશી શેઠને બંગલે જતી ત્યારે એની અદબ કેવી જળવાતી ! એનો સહવાસ સૌ કેટલો કેટલો બધો ઇચ્છતા! તેમ સસરાજીની એક માન્યતા નિર્મળ હતી ત્યાં સુધી અન્ય કોટિ લોકોની એને શી પડી હતી ! પણ એ ઇર્ષ્યાનું આકર્ષણ જ કંચનને કોઈક દિન દેરના ઘેર પાછી લઈ આવશે એવી એને આશા હતી. એ