આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પાંત્રીસમું
ઘાએ ચડાવેલી


દે અને ભોજાઇ, બેઉની રાત કૈં કૈં વલોપાતમાં વીતી. સવારે ભદ્રા ચૂલા પર ચહાપાણી માટે બેઠી હતી ત્યારે એના ઉજળા ચહેરામાં રાતી આંખો, દેવીના મંદિરમાં હનુમાન ગણપતિના બે સિંદુરિયા ગોખલા જેવી હતી.

દૂધ ચહા પતાવીને એ દવાખાને ગઇ તે પછી એના સસરા દવાખાને રાતવાસો કરીને પાછા આવ્યા; આવીને એણે પાછલી ઓરડીમાં અંધ વેશધારી સાળો બેઠો હતો ત્યાં જઈ આટલા દિવસે પહેલી વાર આસન જમાવ્યું. અંધા જ્યેષ્ઠારામનો અમદાવાદના બંગલા ખાતેનો નિવાસ સ્વચ્છ અને સુઘડ બન્યો હતો. કેમ કે નહિતર વીરસુત કાઢી મૂકશે એવી એને ધાસ્તી હતી.

'ત્યારે બોલ્ય જાની !' બનેવીએ સાળાને પૂછ્યું : 'વહુ સ્વેચ્છાથી આવતી હોય તો પાછી ઘરમાં ઘાલવી કે નહિ ?

'હું તો કહી ચૂક્યો છું કે સળેલું ધાન નાખી દેવાય, સળેલું માનવી નહિ.' સાળો બોલતો બોલતો સુરજના તેજને જાણે કે ચીપી નાખવા માટે પાંપણોના પડદા પટપટાવતો હતો.

'પણ એક શરત હોય તો ?