આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભદ્રા : ૧૫


'મારી શોગાન, થોડી વાર ઊભાં રે'જો હો શરશતી બૈજી !' એમ બોલતી વિધવા ભદ્રા ઘરમાં દોડી જઈ, મગજની એક લાડુડી લાવીને એમને દેતી દેતી બોલી : 'લો, ઝટ તમારી વસુને ખવરાવો. હું તો મૂઈ હૈયાફૂટી, તે વીશરી જ જાત. પણ મારા સસરાએ સવારે ખરાવી ખરાવીને કીધેલું કે 'વહુ, શરશતી ભાભીની વસુને ચોકસ દેજો હોંકે?'

સસરાની નિંદાને નાનકડી એક લાડુડીથી દબાવરાવી લેવાની ફોગટ આશા સેવતી વિધવા ભદ્રા તે વખતે તો "શરશતી બૈજી"ને વળામણાં દઈ દેતી, પણ કૂતરાની પૂછડી જેવી શરશતી બૈજીની જીભ વળતા દિવસના પ્રભાતે જ પાછા વાંકાં વેણ લઈને હાજર થતી. અરે પોતાની વસુને લાડુડી ખવરાવતાં ખવરાવતાં પણ એ બોલતાં કે 'ગાંડીને અમસ્થી કંઈ નથી સાચવી. એના દરદાગીના દબાવેલા છે. હં-અં માડી !'

સવાર પડતું ત્યાં પાછાં એ જ સરસ્વતી ડોશી અર્ધો પૈસો લાવીને સોમેશ્વર માસ્તરને આપતાં : 'લ્યો ભૈ ! શાક લેતા આવજો. જોડે બે તીરખી કોથમરીની ય લવજો હો ભૈ ! અને એકાદ મરચું ય લાવજો.'

ફળી મોટું હતું. ઘણીખરી વિધવાઓ રહેતી. ઘણીખરી સાસરિયામાંથી રૂખ્સદ પામેલી હોઇ કાલાં ફોલીને નભતી. તે બધીને શાકપાંદડું લાવી દેનાર સોમશ્વર જ હતા. અને સરસ્વતી ડોશીની હંમેશની ફરિયાદ હતી કે સોમેશ્વર રોયો પોતાના ઘરનું શાક તો પરબારૂં અમારામાંથી જ કાધતો હશે!

આવા કચવાટની સોમેશ્વર માસ્તરને ખબર હતી, પણ પોતે એનું દુઃખ રાખતા નહોતા. કેમ કે એને લાગ્યા જ કરતું હતું કે, કોણ જાણે આ ફળીવાળાંમાંથી જ કોઇકના નસીબનું આપણે ખાતા હશું તો !'