આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઘાએ ચડાવેલી : ૨૫૧


જીભ સંભાળજે હો જાની !'

'ઠીક લ્યો. આ છોકરીને જો વંઠવું હોત તો તો ક્યારની વંઠી ગઇ હોત; આપણી વાટ શીદ જોવત ? પણ વંઠી જવું એમ રસ્તામાં નથી પડ્યું. શક્તિ જોયેં છે ભાઈ! વંઠવામાં ય શક્તિ જોયેં. અમારી જુવાનીના સમામાં અમારા ગામની બામણી રંભડી યે વહુવારૂ હતી, કમળાય વહુવારૂ હતી; બેય એક જ ઘરના બે દીકરા વેરે દીધેલી હતી; પણ જે દુઃખની મારી કમળા કૂવે પડી, એ જ દુઃખની દાઝેલ રંભડી પ્રથમ બાવાને ગઈ, પછી મેરને, તે પછી એક મિંયાણાને, અને અટાણે ઓ ફકીરણ બનીને છેલુશા પીરને તકીએ પચાસ વરસની ફાટલ આંટા મારે જૂનાગઢમાં. હવે એ દુઃખના મરને ડુંગરા ખડકાણા હોય, એક છોકરું થાત ને જો એ રંભડીને, તો ટાઢીબોળ બની બેસી રે'ત. એમ દવે મા'રાજ ! આ તમારી વાં - ભૂલ્યો ! વહુને પણ જોવે છે ખોળામાં છોકરું. એને બદલે આપણા વીરસુતે દીધો એના હાથમાં એકલો મોટરનો ડાંડો, ને આ ભણેલાંએ ભેળાં થઈને દીધાં એને દેવીનાં પદ. જોવે છોકરું, ને સાંપડ્યાં સભા સભલાં ! મેં તો તે દિ'જ નહોતું કહ્યું ! ને બાપલા મારા ! સભાને લાયક આ ડાચું નોય : ને આ બાઈ ને સૌ મળી સરોજની નૈડુ બનાવે છે તે આંધળા હશે ! મોઢું નથી જોતા ? ચાલાકી છે કાંઇ ? અંબાડ છે તેજના ? બોલી શકતી'તી કાંઈ? મોંયેથી જે માખ ન ઉડાડી શકે, એને ચડાવી સરોજની નૈડુને ધાએ. ધાએ જ ચડાવી દીધી છે એને બાપડીને, દવેજી ! બધા ભણેલાઓએ ભેળા થઇને તેજ કે વિભૂતિ જોયા ભાળ્યા વગર ધાએ જ ચડાવી દીધી. ને હવે સૌને એનો મોહ ઘટી ગયો. હવે એને જોવે છે ખોળામાં છોકરું. સીધેસીધી, કશા જ વાંકધોંક વગરની વાત છે. આજ તો એને દેવુથી રડશે, પણ પાંચ દા'ડે પાછું એનું હૈયું પેટનું છોકરું માગશે; દોટ દેતી આવશે તારા દીકરા પાસે, મનાવવા જાવું નહિ પડે. એક સાડી ય નહિ માગે.'