આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૫૬ : તુલસી-ક્યારો


ને ! એને કોઇ નહિ કહે, કહેશે તો સૌ મને ને, કે તું ઘરડો આખો ઊઠીને પોતાના ઘરના માણસનું શરીર ન સાચવી શક્યો ! તુંને શંભુ એ ઘડપણ દીધું છે શા સાટુ, પડ્યા પડ્યા વહુવારૂના હાથની ફળફળતી રસોઇ જ ખાઈ બગાડવા સારુ ! તું ઘરડો આખો શું આંધળો હતો, કે દીકરાની વહુના શરીરની સુકવણી થતી'તી તોય જોઇ ન શકયો !'

દાદાના આ શબ્દોની જે રંઘોળી કંચનના ગાલ પર અને આંખોમાં પુરાયે જાતી હતી તે દેવુ પડ્યો પડ્યો નીરખતો રહ્યો. ને દાદા પોતાની પૂત્રવધુના મનોભાવોનું પ્રતિબિમ્બ, દેવુંની પથારીની પાંગતે બેઠા બેઠા, દેવુની આંખોમાંથી જ ઉકેલતા હતા.

દેવુની આંખો કહેતી હતી કે, નવી બા કોણ જાણે શાથી પણ ચમકી ઊઠેલ છે.

ડોસાની આંખો પણ કંચનના દેહ પર દોડી દોડી ચોમેરે તપાસ ચલાવ્યે જાતી હતી, ખૂણે ખાંચરે પણ પ્રવેશીને પાકી ચોકસી કરતી હતી, કંચનની સાડીનું ઝીણું પોત જેટલું જોવા દઇ શકે તેટલું જોઇ લેવામાં ડોસાનું દુન્યવી ડહાપણ લગીરે શરમ લેખતું નહોતું. આંખો એ શરીર પર એક જ સંદેશો વાંચી આવી કે કંચન કશીક ધાસ્તી સેવે છે.

'કહે તારી બાને દેવુ,' ડોસા પોરસવંતા સાદે પડકારી ઊઠ્યા, 'કે કંઇ ડર ન રાખે. કોઇના બાપની ઓશિયાળ નથી. આપણે તો આપણા ગામમાં ખાસું મજાનું ખડકીબંધ ખોરડું છે. તે હું ત્યાં તુળસીનું આખું વન ખડું કરી દઇશ. બસ, પછી એ તુળસી માતાની મંજરીઓ ગળાઇને મળનારી હવા - શી વાત કરવી એ હવાની બેટા ! મડાં પણ બેઠાં થાય. કોઇ તમને ટુંકારો ન કરી શકે. તુળસી માની રક્ષા હજો તમને, ને શરીર નરવું કરીને પછી તમે તમારે ઠીક પડે ત્યાં રહેજોને !'