આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કંચનને હમેલ ! : ૨૬૩


પણ કઢાવી વાળ્યો'તો. આમ બોલીને હું પણ જુગલકિશોરને ઘેર જઇ પોકેપોકે રડ્યો'તો. બાઇ બાપડી મારેય નજીકની ભત્રિજી થતી'તી ! શું કરીએ ભાઇ ! માનવ-દેહ તો રામચંદ્રજીના કાળમાં ય ક્ષણભંગુર હતો ને ! જુગલકિશોરને પકડારીને મેં ઊભો કર્યો'તો તે દા'ડે, કે દીકરા જેવી વહુનું જીવતર જેવું ઊજળું હતું તેવું જ હવે તું બાપ ઊઠીને તેનું મૃત્યુ ઉજાળ મૂરખા ! ખબરદાર, જો વહુની ચેહ પર છાણું પણ લગાડ્યું છે તો. ઘીએ ને સુખડે બાળવાં છે. અને પુણ્ય કરવામાં પાછું ન જોતો હો જુગલા જાની ! આ એમ કહી બે ડબા બાઈની ચિતા પર બળાવ્યા મેં, ને બે ડબા પોલીસ-થાણે પોંચાડ્યા. તેરમાને દા'ડે તો આફ્રિકે બેઠેલ દીકરાનું મોં સરખું ય જોયા વગર પચીસ ઘરનાં શ્રીફળ આવી ઊભાં. આમ, ભાઈને કહું કે રસ્તા તો અનેક છે, સમતાનાં ફળ મીઠાં છે, મૂળ વાત તો આપણા ઘરના માણસને હાથ કરી લેવાની છે. તે પછી આપણા ઘરને ખૂણે આપણે શું કરવું ને શું ન કરવું તે તો આપણા હાથની વાત છે ને ! રસ્તા તો અનેક છે- એક જ રાતમાંય માર્ગ નીકળે, ને પંદર વીસ દા'ડાની મુદ્દત પણ નાખી શકાય.'

આટલું વ્યક્તવ્ય, બજારની વસ્તુના ભાવતાલની વાત કરતા વેપારીની ઠાવકાઇથી, એકસામટું પૂરું કરીને જ્યારે જ્યેષ્ટારામ મોંના દાંત ભીડીને હસતો હસતો ઊંચે જોઈ રહ્યો, ત્યારે એનાં ગલોફાંમાં દેખાતા રહ્યાસહ્યા દાંત ભોંયરામાં લપાયેલા ડાકુઓ જેવા ભીષણ ભાસ્યા.

'ઠીક જાની ! બહુ થયું ! જા ભા જા !' વીરસુતના પિતાએ મૂંગો ઠપકો દઇને સાળાને વળાવ્યો.

'ના રે ના, કાંઇ ફીકર નહિ, એમાં ક્યાં હું દૂબળો પડી જાઉં છું બાપા ! ને વળી મેં એક નીંદર તો કરી પણ લીધી છે. જરૂર