'આ કાંઈ પૃથ્વી ઉપર પહેલું જ પાપ થોડું છે જાનીજી ? મનુ મહારાજે સમાજરચના બાંધી તે પછીનું તો એક કરોડને એકમું પાપ હશે. એમાં ય પાછાં ઘણાંખરાં તો બામણવાડા ખાતે જ જમે સમજવાં. વધુ પાપમાંથી બચીએ છીએ તે તો અકસ્માત છે, સંજોગોના અભાવનું પરિણામ છે; સાંજોગો મળે તો તો તારો વીરસુત પણ વિચારવા રોકાય તેમ નથી.'
'શું કહે છે જૂઠાડા ?'
'ઠીક કહું છું, દવેજી ! મારી આંખોનો ઉજાસ કુદરતને હવાલે કરી મેં ખોટનો વેપાર નથી કર્યો. શંભુએ મને અન્ય પ્રકારે જરૂર કરતાં વિશેષ ઉજાસ દીધો છે. હું જાણું છું કે, તારી ભદ્રામાં જો જરીકે કચાશ આવી જશે તો તે દિવસે વીરસુત શું કરી બેસશે.'
'શું કહે છે ?'
'ચમકવું શીદ પડે છે ? મેં કાંઈ દુનિયાને પૂરી જોયા તપાસ્યા વગર આંખ મીંચી હશે ! મેં ન કહ્યું તે દા'ડે, કે કંચન વેશ્યાના ગોખે નથી પહોંચી એ જ એની બલિહારી છે ! એને હમેલ રહી ગયા એ તો મારા બાપલા ! એક કુદરતના ઘરનો અકસ્માત છે. બાકી તો તું ને હું પણ કાંઈ ઓછા ઉતરીએ તેવા નથી.'
'અધમ નહિ તો ?
'અધમપણાની તો હું વાત જ કરું છું ને!'
'મુદ્દાની વાત કરને ઝટ ભાઇ ! શું કરવું ? તું શું ત્યારે એમ ઇચ્છે છે કે વહુને હજુય બચાવવી ?'
'જો એ ફરીને સાચેસાચ વહુ બનતી હોય તો.'