આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કંચનને હમેલ ! : ૨૬૬


'ને વીરસુતનો વિફરાટ ન શમે તો ?'

'એટલે એ શું કરે ?'

'અદાલતે ચડે.'

'તો આપણે સાહેદી દઈએ.'

'કે ?'

'કે આ બાળક બીજા કોઈનું નહિ પણ અમારા વીરસુતનું જ રહ્યું છે.'

'જૂઠી સાહેદી ?'

'જગતમાં કશું જ સત્ય છે ખરૂં ? આપણે તો વીરસુતને આટલો ડારો જ દેવાનો છે ને ?'

'હું પૂછું છું હે જાની ! તને કંચન વહુની આટલી દયા કેમ આવે છે ?'

'દયા મને કદી આવે એમ તમે મારાં કામો ઉપરથી કલ્પી શકો છો દવેજી ?'

'નહિ.'

'તો હાઉં ! આ તો બધા બાપા ! દિલને બહલાવવાના ખેલ છે. બાકી તો તમને ખબર નહિ હોય દવેજી, પણ એક વાત કરું, પેટમાં રાખજો એમ કહેવાનું કાંઈ કારણ નથી, કેમ કે ઘણા જાણે છે. વીરસુતની મામીને હું પરણી આવ્યોને, તે દા'ડે બાપડીને ત્રણ મહિના ચડેલા હતા. મારા બાપે જ મને કહેલું કે મૂંગો મૂંગો પરણી આવને ભાઈ ! બામણીની દીકરીનો આત્મા આશિષ દેશે તો ઘરનાં