દેવુને દવાખાનું છોડવાના પ્રભાત પૂર્વેની સાંજ આવી પહોંચી. તે દરમ્યાન એ અને કંચનબા બેઉ દોસ્તો જેવાં બની ગયાં હતાં. કંચન પોતાની નોકરી છોડી દઇને દવાખાને જ પડી પાથરી રહેતી હતી. પગથિયે પગ મૂકતાં જ એના ટાંટિયા ધ્રૂજતા, છતાં ત્યાંને ત્યાં જ આવ્યા કરતી. કારણ કે એને જવાનું કોઇ ઠેકાણું નહોતું. ઉપરાંત એને એમ જ લાગ્યા કરતું કે અમુક ચોકસ ચહેરાનો માણસ એ જ્યાં જાય ત્યાં એની પાછળ પાછળ ભમી રહ્યો છે.
સ્નેહીઓનાં ને શુભચિંતકોનાં ઘરોને ઊંબરે એનું જવું અણપવડતું બની ગયું હતું તેનું પણ એક કારણ તો આ જ હતું. જે ઘરમાં એ પેસતી એની સામેના ઓટલા પર, કોઇક ઝાડની છાંયડી નીચે, અથવા સામી સડક પર એનો એ આદમી આંટા દેતો.
જે સ્નેહી કુટુંબો કંચનની શરીરસ્થિતિથી અજાણ હતાં, તેમને કંચનની પાછળ કોઇ મવાલીઓ ભમત લાગ્યા, પણ તેમણે એ માનેલા મવાલીને ઠેકાણે લાવવાની હિંમત બતાવવાને બદલે કંચનનો જ સત્કાર ઓછો કરી નાખ્યો. 'આવો !' એટલો બોલ બોલાતો બંધ પડ્યો એ તો ઠીક પણ 'તમે છો જાણે નવરાં ! એટલે