આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભદ્રા : ૧૭


આખરે તો વિધવા છે. આંહી પગ ઢાંકીને બેસી રહી શકે, ત્યાં મોકળા સંસારમાં એના જીવનો મેળ ન મળે. વગેરે વગેરે.'

પુત્રનો ફળફળતો ઉત્તર આવતો :

'ફિકર રાખશો મા, હું નહિ એને પુનર્લગ્ન કરાવી દઉં. એ બ્હીક હોય તો ન મોકલતા.'

આખરે તો ભદ્રાને જ બે વાર જવું પડેલું. બે વાર જવાનું ખાસ કારણ એ હતું કે નવી વહુને ઉપરાઉપરી બે કસુવાવઓ થઈ હતી.

ત્રીજી વાર ભદ્રાને જવાનું તેડું આવ્યું ત્યારે લખ્યું હતું કે 'અનસુ માંદીને ત્યાં જો રાખી શકાય તો રાખીને એકલાં જ મોકલવાં. ભદ્રાના હાથ બે માંદાંની માવજત કરી શકે નહિ. ઊલટાનું બન્નેનું બગડે.'