આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અસત્ય એ જ સત્ય : ૨૬૯


અમે ય શું હાથપગ જોડીને બેઠા રહીએ !' એટલી હદ સુધીનો જાકાર સાંભળ્યો.

જેને પોતે ગાઢ સ્નેહીસંબંધી સમજતી તેવા એક દિલખુશભાઇના કુટુંબમાં જઇને કંચને ધ્રૂસકાં મેલી રડતે રડતે પોતાની સ્થિતિ પ્રગટ કરી.

આ ઘરનાં સ્ત્રી પુરુષ બેઉ શહેરના અનાથ-આશ્રમ સાથે સંબંધ ધરાવતાં હતાં અને તેના સમારંભોમાં આવાં ભાષણો પણ કરતાં હતાં કે 'માતાએ ગુહનો કીધો હોય, પિતાએ ગુહનો કીધો હોય, પણ નિર્દોષ જે બાળક ગર્ભમાં આવી બેઠું હોય તેનો શો અપરાધ ! એવાં બાળકોની ગર્ભધારિણીઓએ તો છાતી કાઢીને પ્રકટ થઈ જવું જોઇએ. એવી સભર્ગાઓને કલંકિત કહી કહી બાળહત્યાને માર્ગે ધકેલવાને બદલે આશ્રય આપી પ્રસવ કરાવવો જોઇએ.' વગેરે વગેરે.

'હું પ્રક્ટ થઈ જવા માગું તો ?' કંચને વરવહુનાં ઊતરી ગયેલાં મોં સામે દયામણી આંખે તાકીને પૂછ્યું :

'તે તો તમે જાણો બા ! અમે કશી યે સલાહ ન દઇએ !' ઘરધણીએ બેઉ હાથને બની શક્યા તેટલા પહોળાવીને કહી દીધું.

'હું બીજું કશું નથી માગતી.' કંચને ગદ્ગદદિત કંઠે કહ્યું, 'મને આ પોલીસના છૂપા પહેરામાંથી બચાવો.'

'અમે શી રીતે બચાવીએ !' સ્ત્રી પણ અકળાઈને બોલી ઊઠી : 'અમને જ તરત છાંટા ઊડે કે બીજું કંઇ !'

'હું જરા બહાર જઇ આવું.' કહીને દિલખુશભાઇ પોબાર ગણી ગયા. ને સ્ત્રી નાવા ગઇ ત્યાંથી કલાકે પણ પાછી નીકળી નહિ.