આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૭૮ : તુલસી-ક્યારો


સાચવવા આપવા આવ્યો ન હોત. મારે ય ડોક છે, કાંડાં છે, પગ છે; ને ઓઢવા પેરવાની ઈચ્છા ય શું નહિ હોય અમારે ? પણ શું કરીએ ? જખ મારીને તમારી જાન આગળ રગરગવા આવવું પડે છે, એ કાંઈ ગમતી વાત નથી.'

તો પણ કંચન નિષ્ક્રિય રહી ત્યારે સસરાએ હાકોટો માર્યો. 'કહું છું કે કૃપા કરીને પહેરી લ્યો.'

'ખરો ! દવે ખરો !' એવો સાદ કાઢતો એક ઘોઘરો પડઘો ઘરની પાછલી પરશાળેથી પડ્યો, ને પછી તરત 'જીભલડી રે તુંને હરિગુણ ગા...આ...તાં' એવું પ્રભાતિયું મંડાયું. એ સ્વર અંધા જ્યેષ્ટારામનો હતો.

દાદાનો ઉગ્ર અવાજ સાંભળીને દેવુ પથારી છોડીને આવી પહોંચ્યો. એને આવેલો જોઇ ડોસાએ કહ્યું : 'દેવ, તારી બાને એમ હશે કે તારી મૂઈ માના દાગીના આપી દેવાનો મને શાનો હક્ક ! ખરું છે, હું તો હવે આ ઘરમાં બધા જ હક્કો પરવારી બેઠો. મારી તો જાણે કોઇ ચીજ ઉપર સત્તા જ ન રહી. ખેર ભાઈ, તો પછી તું પહેરાવ તારી બાને, તું વાલો થઇ જા,મારા હાથમાં તો જશની રેખા જ ક્યાં છે !'

'બા-બા-બા-પહેરો તો બા-બહુ સરસ લાગશે હો બા !'દેવુને એની નવી ઉર્મિઓ આવાં ત્રૂટક વેણો જ બોલવા દેતી હતી.

'અત્યારે જ પહેરું ? પછી કાલે...'

કંચનના એટલાજ શબ્દો સામે સસરા તડુકી ઊઠ્યા : 'હં-હં-એમ કે ? બહારથી હમણાં જ આડોશીપાડોશી મળવા દોડ્યાં આવશે તેની સામે તમારે મારી આબરૂના તો કાંકરા જ કરાવવા છે ને ?