આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'બામણવાડો છે ભા !' : ૨૮૧


સુતને પૂછી જોયું. એ બેવકૂફ તો છે જ, પણ આટલો બધો હેવાન ! પોતાની વહુ પાસે પોતે આવે જાય, અને અમને જ ભ્રમણામાં રાખે ! હેવાન મને કહેતાંય ન લાજ્યો કે 'બાપુ, વાત કરતાં મને ભોંઠામણ થતું'તું !' એના ભોંઠામણમાં ને ભોંઠામણમાં મારા તો બાર જ વાગી જાત ને ! મારી પૂત્રવધૂને કૂલટા કહી ધુત્કારી કાઢ્યા પછી હું તો સદાય હાથ ઘસતો જ થઇ રહેત ને! મારાથી એને ભોંઠામણ આવ્યું, જોવો તો ખરાં ! કલહ કરીને વહુને કાઢી મૂકી ત્યારે ભોંઠામણ નહોતું આવ્યું, કોર્ટે ચડેલો તેનું ભોંઠામણ નહોતું આવ્યું, અને ભોંઠામણ આવ્યું આવી કલ્યાણકારી બાબતનું ! કેમ જાણે અમે તમારાં ને તમારાં પેટનાં દુશ્મન હોઈએ. કેમ જાણે મને પાંચ દસની વેજા વળગી ગઈ હોય ! અમે જેના સારૂ તલખી તલખીને મરતાં હોઇએ તેના જ માટે અમારાથી દિલચોરી ! એ તો ઠીક, પણ તમને હું આંહીં ન લઇ આવત તો એ હેવાનને હાથે હજુયે કોણ જાણે કેવી બરદાસ્ત થાત, અને આગલી બે વાર બની ગયું તેવું જ કાચું કપાત. ભલેને કૂટે હવે માથું ! હું તો ધરાર લઇ આવ્યો !'

કંચન આ બધું સાંભળતી સાંભળતી, એક બાજુ પીઠ વાળીને બેઠી બેઠી હાથમાં ને પગમાં, કાનમાં ને ડોકમાં દાગીના ચડાવતી હતી. ભદ્રાની ચાતુરી એનામાં નહોતી એટલે એણે તો સસરાના કહેવા પરથી સાચું માની લીધું કે આ ગર્ભાધાન માટેની જવાબદારી વીરસુતે પોતાના શિરે ઓઢી લીધી છે. એનો બધો ફફડાટ શમી ગયો. એણે હોંશે હોંશે શણગારો સજી લીધા.

ખાલી દાબડી જોઈને સસરાએ સમજી લીધું અને દૂત્તી નજરે પૂત્રવધૂની સાડીની આરપાર કંઠ સુધીની મુખમુદ્રા નિહાળી લઈ સંતોષ અનુભવ્યો કે દાગીના પહેરાઈ ગયા છે.