આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચાલીસમું
'શોધ કરું છું'


ળતે દિવસે સોમવારે કોઈક બાઇ માણસનો ટૌકો દ્વારમાં પડ્યો : 'કાં, અલી ભદ્રી ઓ ! ક્યાં મૂઈ છો તું તે બાઇ ?'

'આ મૂઈ આ, કોણ છે એ ભદ્રીવાળું !'એમ કહેતી રસોડામાંથી બહાર નીકળેલી ભદ્રાએ પરોણાં દીઠાં. ને એ હાથ પહોળાવતી ચોગાનમાં દોડી.

'ઓહોહો ! શરશતી બૈજી ! રોયાં તમે તે આંહીં ક્યાંથી મૂવાં?'

'ક્યાંથી તે જમપુરીમાંથી તો થોડાં જ તો બૈ !' એમ કહેતી એ જર્જરિત વૃદ્ધા રસોડાને ઓટલે બેસી ગઇ અને હાથના લાંબા લહેકા કરતી બુલંદ સાદ છૂટો મૂકીને છલોછલ છાતીએ બોલવા મંડી : 'તું તે મૂઇ ખડકીને શૂનકાર કરી મૂકીને ચાલી ગઈ, ને અમે તો રોજ પીપળા-ઓટે બેસીએ પણ તારા વન્યાની તો જાણે કશી ગમ્મત જ ના આવે. મારું તો કોણ જાણે શું થયું તે મારાથી તો બળ્યું રોઇ જવાતું'તું તારા વન્યા. ઓટો તો ઉજ્જડ મશાણ શમો બની ગયો, ખડકી યે ખાવા ધાય; તાં તો હમણેં ફરી કંઈ ગમ્મત જામી છે મૂઈ ! તે હું તને કહેવા આવ્યા વના ન રહી શકી. તારો સસરો આવ્યા, દેવુ આવ્યો, નાની વહુ