આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૦૦ : તુલસી-ક્યારો


'વીરસુત ભાઇને કાંઠે બાંધવાનો.'

'તમે એકને જ વાલા હશે કાં ને ?

'ના બેન ના,' ભદ્રાની આંખો જળે ભરાવા લાગી; 'સાને વાલા છે, માટે તો તુલસીમાની મેં રક્ષા મંતરાવી'તી. હીમખીમ એ પાછા આવે, પાછા આપ્ણે અમદાવાદ રે'વા જઇએ.......'

'આવશે જ તો ?"

'દોરા વગર ?'

ભદ્રાના હૃદયમાં એવી જ એક છોકરવાદી વહેમજડતા ઘર કરી ગઈ કે પોતે કરવેલો દોરો જો વીરસુતને નહિ પહોંચ્યો હોય તો વીરસુતનું ક્ષેમકુશળ ખંડિત થયા વિના રહેશે જ નહિ.

' તો તો આવશે જ ! લ્યો હું કહું છું કે આવશે.' યમુના વિચિત્ર હર્ષચેષ્ટાઓ કરવા લાગી.

'પણ બેન ! તને શું ખબર પડે ! મેં જ રાંડીએ એમને દેશાટને જવા કહ્યું. મેં જ મૂઇએ એમને એમના ઘરમાંથી જાકારો દીધો. મેં જ મૂઇએ એમની ને એમના પિતાની વચ્ચે વછા પડાવ્યા, મેં જ એમને કંચનને મેળવી ન આપ્યાં, મારી તે કેવી ગફલતી !'

પછી એની વાણી પ્રકટપણું ત્યજી દઇને હૃદયના નેપથ્યમાં કમ્પવા લાગી. કોઇ બીજાને કાને ન પડવા દેવાય તેવી એ ગુહ્ય વાણી હતી. માનવ- હૃદયનાં, તેમાં પણ સ્ત્રીહૃદયનાં રહસ્યો જે વીણા પર ઝંકાર કરે છે - તે વીણા ઘનઘોર અંધકારની જ બનેલી છે. ચિદાત્માના દરબારને ઊંબરે એ વીણાનો બજવૈયો બેઠો છે. કલ્પના ત્યાં પહોંચી શકી નથી તો કાન ક્યાંથી પહોંચે ? ભદ્રાના મનમાં મજુલ મૃદુ કોઇ રવ ઊડતો હતો :