આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરનો ભેટો : ૩૦૭


તાત્કાલિક તો કશો ભય લાગ્યો નહિ. એકીટશે એ ભાસ્કર સામે જોઇ રહી. પંદરેક દિવસ પૂર્વેની રાતે ભાસ્કર વીરસુતની મોટર પર ચડી બેઠો હતો ને પછી બંગલે આવી જે વાત કહી ગયો હતો તેનું ભદ્રાને સ્મરણ થયું. ભાસ્કર પકડાયો હતો એ વાત ઘરમાં એને કોઇએ કરી નહોતી. દેરને તો ખબર હોવી જ જોઇએ, પણ વીરસુત ભદ્રા પાસે ભાસ્કરની વધુ વાત કરવા ન ઇચ્છે એ દેખીતું હતું. એ તો ઠીક, પણ અમદાવાદમાં મોટો ને મહતવનો ગણાવો જોઈએ તેવો એ બનાવ હતો છતાં અમદાવાદની સંસ્કારપ્રેમી જનતામાંથી કેમ કોઇ કરતાં કોઈ અહીં આ કેદીને કશું આપવા, સાંત્વન દેવા કે વળાવવા હાજર નહોતું ? એને કેમ કોઇ જામીન પર છોડાવનારૂં પણ જડ્યું નહોતું? ભદ્રાને ભારી કૂતુહલ થયું. બિસ્તર દેવા આવેલી તે શું ભાસ્કરની મા જ હતી ! મા ક્યાંથી આવી ચડી ? આને પોલીસ ક્યાં લઇ જાય છે ? ભદ્રાનું કૂતુહલ પ્રબલ બન્યું, પણ ભાસ્કર એ છેવાડા ખાનાંમાં ચૂપ હતો.

વચ્ચેનાં ખાનાંમાં મુસાફરોએ આજના જમાના પર પ્રચંડ મીમાંસા માંડી દીધી હતી. આજના જમાનાના દીકરાઓ પર ફિટકાર તૂટી પડ્યો હતો ને માના ઉદરમાં નવ માસ વેઠાતા ભારવાળા મુદ્દા પર એટલો બધો ભાર મુકાઇ રહ્યો હતો કે ભદ્રાને હસવું આવતું હતું. એનં અંતર છાનું છાનું કહેતું હતું કે 'નવ માસ ભાર વેઠવાની આટલી બધી નવઈ તે શી છે બૈ ! વેઠે એ તો-કૂતરાં ય વેઠે ને બલ્યાડાં ય વેઠે.'

ઉતારૂઓએ જમાનાને નામે બોલીને ભાસ્કરને જેટલી ગાળો દઇ શકાય તેટલી દીધી. ભાસ્કર અબોલ રહ્યો તે પરથી વાતો કરનારાઓએ અટકળ કરી કે આ ઠપકો તેના પર અસર કરી રહ્યો છે. એટલે તો પછી બે પાંચ જણ એની સામે ફરીને 'માને તો આમ રાખીએ ને તેમ સાચવીએ' એવી મતલબની શિખામણો આત્મીયજનોની જેમ દેવા મડી પડ્યાં.