આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૧૦ : તુલસી-ક્યારો


પુરાવો બાળે ! મેં તો એવા કૈંક કાગલો વાંચ્યા છે આપની હાફીસના છૂપા દફ્તરમાં. કેવા કેવા આબરૂદારો, કેવા કેવા ખાદીવાલાઓ, કેવા કેવા આશરમવાલાઓના કાગલો ! અહહહ ખુદા ! ઓ ખુદા ! તોબાહ !' એમ કહેતે કહેતે નાયકે આંખે હાથ દઇ દીધા : 'વાંચીએ તો જીગર કામ ન કરે. આપણે વાંચતાં શરમાઇએ, ને એ બચ્ચાંઓ લખતાં ન લાજે, કેમ ભાસ્કરભાઇ, ખોટું કહું છું ? કહેતો હોઉં તો મારૂં મોં ને તમારી ચંપલ !'

ભાસ્કરે ફક્ત મોં મલકાવ્યું.

'યાર પણ તમે પૂરા પક્કા આદમી આ શી બેવકૂફી કરી બેઠા ?'

છૂપા પ્રેમપત્રોના વ્યવહાર પર નાયક અને સિપાહીના એ હાસ્ય કટાક્ષોનું નિશાની બની ગયેલો ભાસ્કર કશું જ બોલતો નહોતો, કશા ખુલાસા આપતો નહોતો. એની દૃષ્ટિ ડબાની બહાર ઘાટા બનતા જતા અંધકાર તરફ હતી. પોલીસોએ ફાવે તેવું બોલ્યે રાખ્યું. અને ગ્રામ્ય વિધવામાં ભાગ્યે જ સંભવે એવી હામ બીડીને ભદ્રા પોતાની બેઠકેથી ઊઠીને સામી બારી પર જતી, બહાર ડોકું કાઢતી, ને ધીમે ધીમે એક પછી એક બારી વટાવી ભાસ્કરવાળા ખાનાનાની સામેની (રસ્તા પરની) બારી સુધી પહોંચી હતી તેનું આ ત્રણમાંથી કોઇને ધ્યાન ન રહ્યું.

મોં બતાવ્યા વગર ભદ્રા પીઠ ફેરવીને ઊભી ઊભી પોલીસના તડાકા સાંભળતી હતી અને એ એક પછી એક ચકિત કરનારી વાતોની ભાસ્કરના મોં પર શી અસર થાય છે તે ચપળતાથી મોં ફેરવી જોઇ લેતી હતી. ભાસ્કરના ચહેરા પર અપમાન અને બેઇજ્જતીની નિસ્તેજી હતી, પણ એ નિસ્તેજીમાં ય એક પ્રકારની શોભા હતી. ભાસ્કરનો ચહેરો પૂર્વે જોયેલો ત્યારે