આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરનો ભેટો : ૩૧૧


ખાડાખબડીઆવાળો, ધામીઆંના દાગોથી ખરડાએલો ને ક્યાંઇક ક્યાંઇક ઊપસી આવેલી નસોથી ડુંગરાટેકરાવાળો દીસેલો. પણ એ રાત્રિએ આગગાડીના ડબામાં દીઠેલ ચહેરા પર, બોરડીનાં જાળાં ખોદીને કોઇ ખેડૂએ સમથળ કરેલા ખેતરની સપાટી સમી કુમાશ હતી.

ઘડીભર તો ભદ્રાના મનમાં ગડમથલ ચાલી રહી : 'આ માણસ પારકી બૈરીઓને ફસાવે એવો છે ખરો ? અમારી બૈરીની જાત પણ ઓછી છે કંઇ બઇ?'

વિચાર આવ્યો કે તત્કાળ ભદ્રાએ પડતો મૂકી દીધો. એ વિચારવાટ એને વિકરાળ હિંસ્ર પશુઓથી ભરેલી લાગી. ને એણે પોલીસ નાયકનો નવો ઉદ્‍ગાર સાંભળ્યો : 'ઓરત તો દગલબાજની પૂતળી છે હો માસ્તર ! ઓરતનો કદી ઈતબાર ન કરવો.'

ઘીના રેવેલ ડબામાં કસ્ટમના સિપાહી સોયો ઘોંચે તેવી રીતે ભદ્રાના હૃદયમાં એ શબ્દો ઘોંચાયા. પલભર તો એ સંકોડાઈ ગઈ. પછી એણે તરત ભાસ્કરના મન પર એ શબ્દોની અસર નિહાળવા મોં ફેરવ્યું. ભાસ્કરે પણ એ વખત પહેલી જ વાર પોતાનું મોં બહારના અંધકાર તરફથી ફેરવી લીધું.એનો ચહેરો જોનાર કોઈ પણ કહી શકે કે એ મોં ફેરવવાની ક્રિયામાં કોઇ ચગદાતો કીડો દેહ આમળતો હોય તેવી વ્યથા હતી.

ફરેલી આંખોને એ કોનું દર્શન મળ્યું? અમદાવાદની ઓળખીતી આખી આલમ શું કોઈ એક જ નારીનું સ્વરૂપ ધરીને ખડી થઈ છે ઠપકો ને ધિઃકાર દેવા ? મેણાંટોણાંને પથ્થરો મારવા ? પોલીસની હાંસીમાં શામિલ થવા ? કે કંચન અને યમુનાના જીવન-વિનાશ બદલનું કોઇ નવું તહોમતનામું પોલીસ પાસે દાખલ કરવા ?