આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૧૪ : તુલસી-ક્યારો


'એક વાત સાંભળી લો ભાઇ નાયક ને ભાઇ કોન્સ્ટેબલ !' ભાસ્કરે શાંત શબ્દોમાં પિછાન દીધી : ' આ કોણ છે તે જાણો છો ? લો હું તમને જણાવી દઉં, એટલે તમારે કેટલું હસવું તે નક્કી થઇ શકે. આ એ ઓરત છે કે જેના નામની ગંદી વાત કરનાર માંધાતાને મારે મહાવ્યથા કરવી પડી ને આ કેદમાં આવી તમને સૌને તકલીફ આપવી પડી. મારૂં ચાલે તો હું તમને વધુ તકલીફ દેવા નથી માગતો. તમે ના પાડશો તો હું એની સાથે વાત કરતો અટકી જવા રાજી છું. પણ હું ને એ વાત કરીએ એવી જો તમારી મરજી હોય તો એમની જાતની અદબ પાળવી તમારી ફરજ છે. નહિ તો પછી પછળથી મને એમ કહેવાની વેળા ન લેશો કે અરે યાર, અરે માસ્તર, તમે તે યાર શું બદલી બેઠા ને ધડોધડ બસ અમને લાફા જ લગાવવા લાગી પડ્યા !'

ભાસ્કર સંપૂર્ણ સ્વસ્થતાથી બોલી ગયો. પોલીસો ખસિયાણા પડી સાંભળી રહ્યા. ભાસ્કરની કદાવર કાયા અને લાફાના ધમધમાટા સંભળાવતી એની ટાઢીબોળ વાણી આ બે જણાનો વધુ મશ્કરી કરવાનો ઉત્સાહ ઉતારી નાખવા માટે બસ હતી.

'ના રે યાર ! ખુસીસેં કર લો ને બાતાં. અમારી તો માબેન બરાબર છે. બેસો બેન બેસો !' એમ કહીને પોલીસનાયકે ભદ્રાને જગ્યા કરી દીધી.

'બેસશો ઘડીવાર ?' સત્તાની વાણીમાં બોલવા ટેવાએલ ભાસ્કરે ભાગ્યે જ આવી કાકલૂદી અન્ય કોઈને કરી હશે.

ભદ્રાએ પોતાની સાડી સંકોડી. એક વાર પોતાના ખાનાં ઊંઘતી યમુના અને અનસુ તરફ જોઈ લીધું, તે પછી એ ત્યાં બેઠી. કદી ન અનુભવેલી સંકોચની ને સંક્ષોભની લાગણી ભાસ્કરે તે વખતે