આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરનો ભેટો : ૩૧૫


અનુભવી. એણે પોતાની બેઠક પર પોતાનાં કપડાં સંકોડ્યાં. ને એણે કહ્યું, 'હું તો કંચનને ઠેકાણે ન પાડી શક્યો. મને લાગે છે કે એ રઝળી રઝળીને પાછી તમારે જ ઘેર આવશે. એને તરછોડશો નહિ.'

'કંચન તો ઘેર ક્યારનાં આવી ગયાં. અમારે ગામ રહે છે મારા સસરા પાસે.' ભદ્રાએ માણસને માર વાગે એવા શબ્દોમાં કહ્યું. શબ્દો તો સાદી વાત કહેનારા હતા, પણ બોલવાનો લહેકો ને બોલતી વેળાનો સીનો ભાસ્કરને ડાંભે તેવાં હતાં.

'તે તો હું અત્યારે જ જાણવા પામું છું. હું જેલમાં હતો ખરોને.'

'ને કંચનગૌરી સભર્ગા છે.' ભદ્રાએ એ કૃત્ય ભાસ્કરનું ગણેલું એટલે આ કોરડો વીંઝવાની તક જતી ન કરી.

'તે તો આનંદના સમાચાર.' ભાસ્કર જે સરલતાથી બોલ્યો તે ભદ્રાને નિષ્પાપ લાગી. ભાસ્કર તો જરીકે થોભ્યા વગર આગળ વધ્યો : 'એ બાપડી એટલી અપંગ છે કે બાળકનો ઉછેર પણ કરવો એને વસમો બની જશે. તમે એની સહાયે જ રહેજો.'

ભદ્રા અંદરખાનેથી ચીડે બળી રહી. આ માણસ નફ્ફટ હશે તેથી શું ચમક્યો નહિ હોય ? કે નિર્દોષ હશે તેથી ? એ તે શું પોતાની બહેન કે દીકરીની ભલામણ કરી રહ્યો છે ? ને કેમ જાણે મારા પર એનો અધિકાર પહોંચતો હોય એવી રીતે ભલામણ કરે છે !

'એ ઘેલીને - એ મૂરખીને મારા સમાચાર તમારે આપવા કે ન આપવા એનો મને વિચાર થાય છે.'

ભાસ્કર ધૃષ્ટતાથી બોલતો હતો. પણ કેટલાક લોકોને ઘૃષ્ટતા કોઇ ગુણ સમી શોભે છે. નમ્રતા જો તેઓ ધારણ કરે તો તેઓનું સ્વરૂપ ઊલટાનું બિહામણું લાગે. ભાસ્કરની ધૃષ્ટતા ભદ્રાને ગમી.