આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૨ : તુલસી-ક્યારો

"બેલાશક, તમારે જ ચાવી સાચવવી પડશે. ના કહેવા જેટલું અભિમાન ક્યાંથી કાઢ્યું ? દેવુ શું તમારો નથી ? દેવુનું છે તે શું તમારે લૂંટાવાને પીંખાવા દેવું છે!"

'પણ એમાંથી કાંઈ હેરફેર થાય તો-'

'એ પેટી કોક દિવસ ખાલીખમ માલૂમ પડશે તો પણ મારે કબૂલ છે. ચાવી તો તમારે જ સાચવવાની છે; બેલાશક તમારે.'

તે પછી સસરાની ને વિધવા પુત્રવધુનીની ખરી કસોટી તો વીરસુતના બીજા લગ્ન પછી થઈ હતી. લગ્ન તો પોતે અમદાવાદમાં જ પતાવ્યાં હતાં, પણ તે પછી એકાદ બે વાર એ નવી નવી પત્ની કંચનને લઇને પિતાને ઘેર આવ્યો હતો.

ચાવીઓનો પ્રશ્ન તે વખતે ઊગ્ર બન્યો હતો. પોતે કુટુંબનો એકનો એક રળનાર છતાં ઘરની ચાવીઓ પોતાની પત્નીને ન મળી શકે, નાની મોટી પ્રત્યેક ચીજ માટે વિધવા ભદ્રાભાભીને જ વિનંતિ કરવી પડે, એ વાત અસહ્ય હતી. એમાં વીરસુત પોતાનું ને પોતાનાં નવાં સુશિક્ષિત પત્નીનું અપમાન માનતો હતો. ખરેખર અવિશ્વાસ સમું કોઈ બીજું અપમાન નથી. પણ વરવધુ બન્ને આવા કોઈ અસંતોષે ધુંધવાતા હતાં તેની ભદ્રાને તો સરત જ નહોતી રહી. એ તો ઊલટાની દેર દેરાણી ધેર આવ્યા બાદ બે ચાર જ દહાડે સસરાની પાસે કમાડની અરધ આડશે હાથ જોડ્યા જેવા કરીને ઊભી ઊભી દેવુની મારફત પરવાનગી માગતી હતી કે દે'વ, દાદાજીને કહે, જો મારા પર ક્રોધ ન કરે તો એક વાત માગવા આવી છું.'

'વાહવા ! મઝાની વાત.' દાદાજીએ હાંસી કરી : ' હું પણ ઘરમાં વાઘ દીપડો જ છું ખરોને, ઓટલે બેઠો બેઠો કેમ જાણે સૌના ઉપર ઘે-ઘે-ઘે-ઘે જ કરતો હોઉં ! હું જ તમને પૂછું છું બાપ ! કે ક્યે દહાડે મેં તમારા પર ક્રોધ કર્યો છે?'