આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'બડકમદાર !' : ૩૨૧


વાહ ! બડકમદાર...! હાશ, હવે હું તો છૂટવાનો. આ કંચને તો મારા માથે કેર ગુજાર્યો છે. લાવી દો એરંડિયું ! લાવી દો સામટા દાણા ! લાવી દો નવું રૂ ! આ રૂ સારૂં નથી, ને આ એરંડિયું દાણામાં ચડાવવા નહિ ખપ લાગે ! આ ખાટલાની પાટી ભરનારને તેડાવો ને પેલા ખાટલાને વાણ ભરાવી દો. મને તો પગે પાણી ઉતરાવ્યાં છે, બાપ ! આ તે દીકરાની વહુ કે કોઈ નખેદ દીકરો ! મને બેસવા દેતાં નથી. તેમે હતાં તો કેવું સુખ હતું મારે ! દસ દસ વરસ પહેલાનાં દેવુના મૂતરેલા ગાભા જેવાં ગાદલાં, એઇને મઝાષાથી ચાલતાં. ને પંદર વરસથી પાટી ધોયા વગરના ઢોલિયામાં ય ઘસઘસાટ ઊંઘ આવી જતી. ને વળી મહિને મહિને દાણો લાવીને ખાતા તેને ઠેકાણે આ તો ઘરમાં મોટી રાજક્રાંતિ થઇ રહી છે ! મને શી ખબર કે તમારી દેરાણીને તમે આવડાં પહોંચેલાં કરી નાખ્યાં હશે ! નહિતર તમને હું દૂર રાખત શા માટે ? હવે તો બાઓ, તમારી સત્તા આ ઘર માથેથી ગઇ છે. ઘરનાં ખરાં માલિક આવી પહોંચ્યાં છે. હું સાચવવાનું કહેતો, ત્યારે આકરૂં લાગતું તો હવે લેતાં જાઓ, તમારી સત્તા જ ઝૂંટવાઇ ગઇ. હાથનાં કર્યાં હૈયે વાગ્યાં.'

'દેવુ !' ભદ્રાએ પીઠ ફેરવી સસરો સાંભળે તેમ કહ્યું; 'બાપુજીને કહે કે મને બનાવો છો શાને ? તમે જ ઉપર રહીને કંચનની મદદથી મારી સામે આ કાવતરું રચ્યું છે ના ! એટલા માટે જ એને લઇને તમે આંહીં આવ્યા હતા. પણ એ ગઇ ક્યાં?'

એમ કહેતી ભદ્રા બીજે ઓરડે દોડી, ને ત્યં એણે કંચનને પીંએલા રૂના પૉલ પાછળ છુપાએલી પકડી પાડતાં સામસામી હસાહસ મચી રહી. 'કાવતરાબાજ !' કહી ભદ્રાએ એના કાન આમળ્યા. ભર્યો ભર્યો કંચનનો દેહ અંદરથી કોઈ અજબ સ્ફૂર્તિથી ઊછળી રહ્યો. એના અંગેઅંગમાં જીવન કોઈ લાસ્ય-નૃત્ય ખેલી રહ્યું. તેની માછલી જેવી