આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૨૪ : તુલસી-ક્યારો


એક મહીના પછી એક પ્રભાતે કંચનની એ પ્રસવ-ચીસોનો પ્રારંભ થયો. એના ખાટલાને ઝાલીને ભદ્રા સુયાણીની સાથે બે રાતથી બેઠાબેઠ હતી. વેદના અસહ્ય હતી. કંચનને વેદના પીવાની ટેવ નહોતી, એને તો જાણે કોઇએ અગ્નિકુંડમાં ઝીકી દીધી. એને ચીસોને દાબવાની શક્તિ હતી તેટલી ખરચી. પણ છેવટે હોઠની ભોગળો ભેદતો ભેદતો સ્વર છૂટ્યો, - કોના નામનો સ્વર ? કોને તેડાવતો પોકાર ? કોને બોલાવતી ચીસ ? એનું કોણ હતું ? એને મા નહોતી, બહેન નહોતી, ભાઇ નહોતો, ને એક પણ એવી બહેનપણી નહોતી - એક પણ નારીસન્માનનક પુરુષમિત્ર નહોતો; ભરથાર હતો પણ નહતા જેવો, દરિયાપાર બેઠેલો, રૂઠેલો, પોતે જ ફગાવી દીધેલો. કોનું નામ પોકારે ? કોના નામનો આકાર ધર્યો એ વેદનાની આર્તવાણીએ ?

'બાપુજી ! બાપુજી ! ઓ મારા બાપુજી.. જી - જી !' એમ પુકારત એના દાંતની કચરડાટી બહાર બેઠેલા સસરાએ સાંભળી. કંચનને મન પોતાનો પરિત્રાતા, પોતાને માટે જમની જોડે પણ જુદ્ધ માંડનાર આ એક જ પુરૂષ હતો: સસરો સોમેશ્વર હતો; એણે પુકાર્યું -

'બાપુજી ! ઓ મારા બાપુજી...ઇ...ઇ ઇ -'ને દાંતની કચરડાટી પર કચરડાટી.

'તુલસી મા ! હે તુલસી મા ! તુલસી મા સારાં વાનાં કરશે બેન !' બેઠી બેઠી ભદ્રા, કંચનના લથડતા, કકળતા, ભાંગી ટુકડા થતા શરીરને ટેકવતી બોલતી હતી.

સોમેશ્વર માસ્તરનો એ સૌથી વધુ કપરો કસોટીકાળ હતો. ગઈ કાલ સુધી એણે વૈદ્યને બોલાવેલા, ઓસડિયાં ખવડાવેલાં, સુવાવડનો ઓરડો સ્વચ્છ કરાવી ત્યાં ઢળાવવાના ખાટલામાંથી વીણી વીણીને માંકડ કાઢેલા, ધૂપ દેવરાવેલો, ઓરડાને ગૌમૂત્ર છંટાવેલાં ને પૃથ્વી પર