આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૩૦ : તુલસી-ક્યારો


એટલે જલદી જઈ પહોંચવું હતું. કોઇનો ધણી ટ્રેનના અકસ્માતમાં ચગદાઇ મૂઓ હતો. પોતાનો જર્મન પતિ હિંદમાં કેદ પકડાયો છે એ જાણીને એક આયરીશ યહુદી સ્ત્રી હિંદને કિનારે પહોંચવા તલસતી હતી.

એવાં તો કૈંક ત્યાં રૂંધાઇને ઊભાં હતાં. કેમ કે ટ્રાફીક ખેડનારાં જહાજો ઓછાં થયાં હતાં, પાસપોર્ટો મંજૂર કરવા પર સખત કાબૂ મૂકાયો હતો.પાસપોર્ટ અધિકારીની ઑફિસમાંથી એક પછી એક બહાર નીકળતાં મોઢાં પર નિરાશા હતી, આંસુ હતાં, ગુસ્સોને રીસ હતાં. અંદર બેઠેલો માણસ કેવો શાપિત હશે ? કોઈનો કિસ્સો રાજકારણી શંકાને પાત્ર ગણીને એ અધિકારી પાસપોર્ટ કરી આપવાની ના કહે છે, કોઇને એકેય જહાજમાં જગ્યા મળેલી નથી તેથી એને બહાર ધકેલે છે.

ધરપત ફક્ત એક વિરસુતને હૈયે છે. એ અઠવાડિયે જ ઊપડતી ચોક્કસ સ્ટીમરમાં એક જગ્યા એને માટે મુકરર થઈ ચૂકી છે.પેસેજની ટિકીટ પોતાના ખિસ્સામાં છે, પોતે સરકારી કૉલેજનો અધ્યાપક છે. બિનરાજદ્વારી માણસ વિદ્યાને માટે દેશાટને નીકળેલો હોવાનાં પોતાનાં ગજવામાં પ્રમાણો છે. પછી કોણ એને પાછા વળવાની મના કરી શકે તેમ છે ?

ચાર દિવસ પછી સ્ટીમર ઊપડશે. તે પછી વીસેક દિવસે પોતાના પગ માતૃભૂમિ પર હશે, ને મુંબઈથી પોતાનું ગામ પૂરા ચોવીસ કલાકને પલ્લે પણ નથી. કંચન ત્યાં દયામણું મોં લઇને, ચરણે ઝૂકતી, પ્રયશ્ચિતનાં આંસુ પાડતી તે જ રાત્રિએ મને એકાંતે મળશે.. એ આખો ચિતાર નજરમાં ગોઠવી વીરસુત ઊભો હતો. એ ચિતારને રજેરજ આધાર આપતો એક કાગળ એની ડાયરીના બેવડમાં પડ્યો હતો. એનો પંજો ફરી ફરી એ કાગળવાળી જગ્યા પર જતો હતો.