આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૩૪ : તુલસી-ક્યારો


'ચાલો .' વીરસુતે બહાર આવીને એ હિંદીને કહ્યું, 'આપણે એ સ્ટીમર કંપનીની ઓફિસે જઈ આવીએ. મારા પેસેજની બદલી તમારા નામ પર કરાવી દઉં. પછી તમારો મુકામ જોઈ લઉં એટલે ચોથે દિવસે હું તમને ડૉક પર લઈ જઇશ.'

મુસ્લિમ ડોક્ટરે વીરસુતનો હાથ પકડ્યો. પણ તરત પાછો છોડી દઇ કહ્યું 'દરગુજર કરજો. હું ક્ષયરોગી છું, ભૂલથી હાથ લેવાઇ ગયો. પણ હું પૂછું છું, તમારી રાહ જોનારાં ઘેર હશે તેનું શું થશે ?'

'રાહ જોનારાં તો સાત સાત વર્ષ પણ રાહ જોઈ શકે છે ને ?' વીરસુત ડોક્ટરની જ કહેલી આત્મકથાને ઉદ્દેશીને બોલ્યો. એ બોલ ડોક્ટરના ક્ષયગ્રસ્ત મોં પર ફૂલોની ઢગલી પાથરી રહ્યા.

'પણ ભાઈ !' ડોક્ટર બોલ્યો : એની સિંધી જબાનના મરોડો અંગ્રેજીમાં અનોખી રીતે ઊતરી રહ્યા : 'તમને આથી શું રસ પડે છે ?'

'નવા મળેલા સુખને થોડી કરુણતા વડે ભીંજવવાનો રસ.'

'લડાઈના સંયોગો વિફરી રહેલ છે,જાણો છો તમારે કેટલું ખેંચવું પડશે ?'

'કદાચ વર્ષ બે વર્ષ. કદાચ એ દરમિયાન કંઇ થાય તો અનંતકાળ !' વીરસુત બોલતે બોલતે દિવ્ય બન્યો. ચાલો ચાલો.' એણે પોતાના ઉપકારપાત્રને ટેક્સીમાં લઇને વધુ વાત કરતો રોક્યો ને રસ્તામાં કહ્યું, 'તમે ત્યાં જઇ સાજા થાઓ એટલે એક કામ કરજો ને ! મારે ગામ કાઠિયાવાડમાં જઇ મારી બીબીને મળી આવજો, ને કહેજો કે મેં વધુ હકદારને ન્યાય કરવા મારી તક જતી કરી છે.'

ચોથા દિવસે પોતે જાતે ડોક્ટરને ઘેર જઇ, એનો સામન બાંધી આપી, એને સ્ટીમરમાં વિદાય દીધી. વીરસુત પાછો વળ્યો ત્યારે