આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'કાં તારા બા જોડે જરી જીવ તો મેળવતો થા.'

દેવ વળી પાછો ફૂદડી ફરી ફરીને મોં સ્ટેશન બાજુ કરી ગયો ને બોલ્યો, 'એ તેડાવે તો ને?'

'માવતરના તેડાની તે વાટ જોવાય ગાંડા? સામેથી જઇને ખોળામાં પડીએ ને?'

'એક વાર ગયેલો, પણ...'

'પણ શું?'

'એમને ગમતું નો'તું'

'એમને એટલે કોને?'

'મારા બાપુને.'

હવે તો દેવ બૂટની એડી ઉપર ફૂદડી ફરતો હતો તે નકામું હતું. જવાબો જ એના રૂંધાતાં કંઠની જાણ દેતા હતા.

'મને જવા દે. હું એમને કહીને તને તેડવાનો તરત જ તાર કરાવીશ. કરાવ્યે જ રહું. જાણછ ગાંડા ? એમ તો એકબીજાના જીવ જુદા પડી જાય.'

ગાડીની વ્હીસલ વાગી. ભદ્રાબાએ ભલામણ દીધી : 'અનસુને સાચવજે હો ભૈલા ! એ એના પગમાં સાંકળ છે તે ક્યાંય એકલી રઝળવા જવા દેતો નહિ. ને બાફોઇનાં લૂગડાંને રસોઇ કરતાં કરતાં ક્યાંય ઝાળ ન લાગે તેની સરત રાખજે હો ભૈલા ! ને દાદાજીની પૂજાનો પૂજાપો રોજ તૈયાર કરવાનું ના ભૂલીશ હો ભૈલા ! ને મોટા મામા ને બાફોઇ લડે નહિ તે જોજે હો ભૈલા !'