આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કર : ૩૭


'તું ઉપાડે છે?'

'ત્યારે કોણ ઉપાડે? કામવાળી બાઈ તો એકવાર ઉપાડવી પડી એટલે પગાર પણ લેવા ન રોકાઈ. 'કામ જાય ચૂલામાં' એમ બીજી જોડે કહી મોકલાવ્યું.

'એ તો જુલમ.' ભાસ્કર ઊંડા વિચારમાં પડી ગયો.

'મેં બીજી કામવાળી બોલાવી આપી.' વીરસુતે વચ્ચે ફક્ત આટલું જ સ્પષ્ટીકરણ કર્યું; 'પછી શો જુલમ?'

'કામવાળી ન હોય તેને હું જુલમ નથી કહેતો વીરસુત ! તું સમજી શકતો નથી એમ તો હું ન માનું, પણ મને એમ જ થયા કરે છે કે તું સમજવા માગતો નથી. મારા મત પ્રમાણે જુલમ તો તારી ઊલટી કંચનને ઉપાડાવી પડે તે છે.'

'તો પછી કોણ...' વીરસુત થોથરાયો. ભાસ્કરની નજર એને વીંધી રહી.

'આ તારો સંસ્કાર કે!' આટલું બોલ્યા પછી ભાસ્કરનાં ભવાં નીચાં ઢળી ગયાં. બીજાઓ ઉશ્કેરાય ત્યારે ભવાં ચઢાવે છે. ભાસ્કરનો ઉશ્કેરાટ ભવાં નીચે ઢાળતો. 'તું તારા મનથી શું ખરેખર એમ માને છે કે કંચન ચાકરડીથી પણ બેદ ગુલામડી છે?'

'પણ હું ક્યાં એમ કહું છું?'

'તારી ઊલટી કંચને ચાટી જવી જોઈએ એટલું તું નથી કહેતો તે જ ઘણું છે!'

એમ બોલીને ભાસ્કર ખડાખડાટ હસ્યો. આવું સખ્ત હાસ્ય એ કોઈક જ વાર, જ્યારે ઘણો મોટો માનસિક આઘાત લાગે ત્યારે જ કરતો.