આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૮ : તુલસી-ક્યારો


'ત્યારે શું કરવું?' એટલો નાનો પ્રશ્ન પૂછતાં ય વીરસુતને બે વાર ખાંસી આવી.

'ભલો થઈને હવે એ પ્રશ્ન જ છોડ ને ભાઈ ! તું મારી વાત નહિ જ સમજે.'

પોતે આ કોયડાનો ઉકેલ નથી આપી શકતા માટે વીરસુતને આમ ચુપ કરવાની ભાસ્કારની આવડત હતી, એમ તો કોઈક બહુ વિચક્ષણ માણસ હોય તો જ કહી શકે. સામાન્યોને તો ભાસ્કરની મનોવેદનાનું જ આ મંથન ભાસે.

'ના, હું કાંઈ એમ નથી કહેતી કે મારે ઊલટી ઉપાડવી પડે છે તેનું મને દુઃખ છે.' તૂર્ત કંચન ભાસ્કરની વ્હાર કરવા દોડી આવતી લાગી : 'હું તો એમની જ માંદા પડવાની બેપરવાઈની વાત કરતી હતી. તમે નાહક આ પોંઈન્ટ કાઢ્યો ભાસ્કરભાઈ, કેમકે એમને તો મારા પરજ ઓછું આવશે. મારૂં ભાગ્ય જ આવું છે, મને યશ જ નથી, કોઈ દિવસ નથી.'

'પણ મેં ક્યારે...' વીરસુતે વળી ફરીવાર એ વાક્ય કાઢ્યું કે તૂર્ત ભાસ્કર બોલી ઉઠ્યો:

'બ...સ! જોયું ના ! તું સાદી એવી વાતમાં પણ કેટલો છેડાઈ પડે છે ! પેલી સીધું કહેવા લાગી, તો પણ તને વાંકું જ પડે છે.'

વળી ફરીવાર ભાસ્કરનું વ્યંગભર્યું હાસ્ય ખખડ્યું. ને એણે ટોપી હાથમાં લેતે લેતે કહ્યું, 'ઠીક ચાલશું ત્યારે, માફ કરજે ભાઈ, કંઈ વધુ ઘટુ કહેવાયું હોય તો.'

'પણ હું ક્યાં કહું છું......' વીરસુત લગભગ ચીસ પાડી ઊઠ્યો.