આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જુગલ-જીવન : ૪૫


તે પછી અરધાક કલાક સુધીની ઝીણી ઝીણી ફુલખરણીએ ઓરડામાં જલતી જ રહી. પ્રત્યેક નાની મોટી વાત પર બેઉ જણાં વચ્ચે વાદાવાદી ચાલતી હતી. થોડી થોડી ઉગ્રતા સામસામાં 'અલ્ટીમેટમ': પછી પાછા 'વ્હાલી' 'વ્હાલા' 'દુઃખ લાગી ગયું!' 'હવે નહિ લગાડું' એવા ફુલદડા શા ઉદ્ગારો ગુંથાયે જતા હતા.

રસોડામાં એક નાનકડી તપેલીમાં ખીચડી રાંધતી બેઠેલી ભદ્રાએ આવું જુગલ-જીવન અગાઉ કદી જોયું કે સાંભળ્યું નહોતું. અગાઉ પોતે જ્યારે આવેલી ત્યારે આ ધમરોળ અદીઠા હતા. અને આ ભાસ્કર અહીં નહોતો. ત્યારે આ નવી નવાઈ શાથી થઈ? ચૂલે બેઠી બેઠી એ કાનની સરવાણીઓ આ દેર-દેરાણીના ઓરડા સાથે જ જોડી રહી હતી ને એનું મન પોતાની જાણે જ બોલતું હતું કે 'માડી રે ! આ કરતાં તો ધણી-ધણીઆણી વચ્ચે મોટા ધડાકા બોલી જાય એ શું ખોટું ! તેનું દુઃખ આ ઝીણી ઝીણી ખાખાવીંખી કરતાં તો ઓછું હો બઈ ! આ રોજનું તો નહિ હોય ને!

'કાં ભાભીજી !' એમ બોલતી કંચન રસોડા તરફ આવતી હતી ત્યારે તેનો સ્વર એકદમ બદલી જઈ મધુરી ઘંટડી જેવો બન્યો હતો. એ રસોડે પહોંચે તે પૂર્વે તો એના વસ્ત્રોની અત્તર-સુગંધ ને એની વેણીનો પુષ્પપરિમલ ભદ્રા પાસે પહોંચી ગયાં. પુષ્પો અને અત્તરોએ ભદ્રાના કાનમાં ઉન્માદ મચાવી દીધો. ને એક પલમાં તો કંચન ત્યાં આવી ઊભી રહી ત્યારે ભદ્રાને સંભ્રમ થયો. વિસ્મય લાધ્યું, અહોભાવ ઉપજ્યો : અહોહો ! આ તો રૂપરૂપની પૂતળી : આ તો આનંદની નિર્ઝરણી : આ ખરડાએલા ગાલ કેવા લીસા લપટ ને ગોરા ગોરા થઈ ગયા : આ કપડાંની છટા : આ ચોટલાનો ચાબુક : આ લળક લળક હીરા ને મોતી : આ ભરત ભરેલી પગની ચંપલ !