આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૪૮ : તુલસી-ક્યારો


'આવું તો સ્વપ્નેય માણ્યું નહિ બૈ ! સાચુકલાં માણે તેની તો બલિહારી!' એવો વિચાર કરતી ભદ્રા બેઠી હતી ત્યારે બહારની ચાંદનીમાં એક મોટર કશો અવાજ કર્યા વગર દરવાજે આવી અટકી. ને અંદર જે હાંકનાર એક જ માણસ બેઠો હતો તેની હાક સંભળાઈ:

'કાં કંચન ! વીરસુત !'

આ સ્વરો સાંભળનારી ભદ્રા એકદમ તો જવાબ ન દઈ શકી. એ લગાર હેબત ખાઈ ગઈ. આ સ્વરો એને અજાણ્યા છતાં તાજેતરના જ પરિચિત લાગ્યા. એ તો ગામડાની વિધવા ખરીને, એટલે દીવાબત્તી બુઝાવી કરીને જ બેઠેલી.

' એ બહેરાંઓ !' બૂમ ફરીવાર આવી ત્યારે ભદ્રાએ વિજળીનો ફક્ત એક જ દીવો ચેતવ્યો ને શાંતિથી જવાબ દીધો કે 'બહાર ગયા છે ભૈ  ! ઘેરે નથી.'

'ઓહો ! ગયાં ને. તો તો સારૂં થયું. હું એમને તેડવા જ આવેલો. બધા એમની વાટ જોઈ રહેલ છે.'

થોડીવાર એ બોલતો અટક્યો. પણ સામે કશો જવાબ કે હોંકારો ન જડ્યો એટલે એ ફરીવાર બોલ્યો-

' એ બેઉ એના ઓવરકોટ તો સાથે લઈ ગયાં છે ને! ન લઈ ગયાં હોય તો હું લેતો જાઉં.'

સામેથી કશો હોંકારો ન આવ્યો. વચગાળાની મિનિટો ફક્ત બગીચાનાં બગલાંની તી-તી-તી સ્વરોએ જ ભરી દીધાં. ભદ્રાએ જવાબ ન દીધો એટલે એણે ફરીથી ફોડ પાડ્યો.

'એ તો હું છું, ભાસ્કર. હું સાંજે આવેલો ને, તે જ.'