આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
માણી આવ્યાં : ૪૯


ભદ્રાને યાદ આવ્યું કે ભાસ્કરભાઈ તો ઘરના આત્મજન જેવા છે. તેણે ઊઠીને દરવાજો ઉઘડ્યો. ઉઘાડીને પોતે ઉતાવળે પગલે પાછી આવી રસોડામાં લપાઈ ગઈ. ને ભાસ્કર ચટાક ચટાક એક પછી એક ઓરડાની બત્તીઓ ચેતવતો, કંચન-વીરસુતના ઓરડામાં જઈ, બે ઓવરકોટ સાથે બહાર નીકળ્યો; એની પાછળ એક પછી એક બત્તી બંધ થતી આવી. એણે સીધા સડેડાટ બહાર ચાલ્યાં જતાં જતાં ફક્ત એટલું જ કહ્યું કે 'બેવકૂફ ! બેઉ એકીસાથે બેવકૂફ ! પોતાની તબિયત નાજૂક છે એમ બેઉ જણ જાણે છે. હવામાં શરદી છે એ પણ જાણે છે છતાં પોતાની સંભાળ રાખવાનું બેમાંથી એકેયને સૂઝતું નથી. એ પણ મારે કરી દેવું.

પોતે જાણે કોઈને સંભળાવવા માટે નહિ પણ પોતાના જ મનની ઊર્મિ ઠાલવવા માટે આ બબડાટ કરતો ગયો હોય તેવી અદાથી સીધોસટ બહાર નીકળી મોટરનું બારણું રોષમાં ને રોષમાં પછાડી, મોટર પાછી હંકારી ગયો. મોટર એક સ્ત્રીમિત્રની હતી.

રસોડામાં ઊભી ઊભી ભદ્રા તો થર થર ધ્રૂજતી હતી. શા માટે ધ્રૂજતી હતી તે જો કોઈએ એને પૂછ્યું હોત તો પોતે જવાબ ન આપી શકત. વિધવા યુવતી, અમદાવાદ શહેર, સોસાયટીનું મકાન, પાડોશ વગરનું એકલવાયું ઘર, ચાંદની રાત, ને તેમાં એક એવા પુરુષનો ગૃહપ્રવેશ કે જેનું આ ઘર જ નહિ પણ ઘરના મનુષ્યો પર પણ પૂર્ણ સ્વામીત્વ છે: તે વખતે કમ્પારી સહજ છૂટે. માડી રે ! કેટલી બ્હી ગઈ હતી ? આ ગાલે ને કપાળે ને ગળે પરસેવાના ઢગલા તો જો મુઈ ! પરસેવે આખું અંગ નહાઈ રહ્યું છે, અરરર ! મેં પણ મુઈએ કેવી કલ્પનાઓ કરી નાખી ! એટલી વારમાં તો મેં એને આંહી ધસી આવતો ને કંઈનું કંઈ જ કરતો કલ્પ્યો... એને વિષે આટલું માઠું, આટલું બધું હીણું ધારી બેસવામાં કેટલું બધું પાપ લાગ્યું હશે ! એ