આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૫૪ : તુલસી-ક્યારો


સચરાચરમાં સર્વવ્યાપક જેવો કેમ હતો તે કોઇ પૂછશે. એ વ્યાપક એટલા માટે હતો કે એ મોતીઓમાં થઈને પરોવાયે જતા સોયદોરા સમાન હતો. મોતીડાંને મુકાબલે દોરો બહુ મામુલી વસ્તુ છે. છતાં એ સર્વ મોતીને પોતાના ઉપર એક વાર અવલંબન લેવરાવી સદાને માટે અધીન બનાવી દેનાર શક્તિ છે. ભાસ્કર એ દોરાની માફક અનેક યુવાનોનું પ્રેરણાબિન્દુ એટલા માટે હતો કે એ છૂપી શક્તિઓને ચીંથરે વીંટ્યા રત્નો સમાન જુવાનોને હાઇસ્કુલો, કોલેજો કે મજૂર ગુમાસ્તાઓની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓમાંથી શોધી કાઢતો; ને ચીપીઆ વતી ઝવેરી હીરો ઉપાડે એમ પોતાની લાગવગના ચીપીઆમાં ઉપાડી લેતો.

કોઇને સ્કોલરશીપ અપાવી અટકેલો અભ્યાસ એ ફરી શરૂ કરાવતો, તો કોઇને નાહક બાપનાં નાણાં બરબાદ કરવાના ભણતરમાંથી ખેસવી લઈ છાપાંની અથવા મજૂરની ઓફિસમાં ગોઠવી દેતો. ગુમાસ્તાગીરી કરતો અમુક જુવાન તો ચિત્રકાર થવા લાયક છે એટલી ખબર એને કોણ જાણે ક્યાંથી પડી જતી, ને એ જાણ થયા પછી આઠ જ દિવસે એ જુવાન તમે કોઈક આર્ટીસ્ટની કલાશાળામાં રંગરેખાઓ દોરતો જોઈ લ્યો.

એટલું કરીને જ એ ન અટકી જતો. પોતાની નજરમાં બેસી ગયેલા યુવાનનો યોગ્ય માર્ગ કરાવી આપવા એ છેક ભાવનગર ને વડોદરાના મહારાજા સુધી, મહાસભાના પ્રધાનો સુધી, જાપાની અને અંગ્રેજ વેપારીઓની હિંદી પેઢીઓ સુધી પતવ્યવહારની ધારા ચલાવતો, જાતે મળવા જતો, કોઈ મિત્રની મોટર હડફેટે ચડી ગઈ તો ઠીક છે, નહિતર ખિસ્સામાં ટ્રામના પણ પૈસા ન હોય તેવી અનેક વારની સ્થિતિમાં અથાક પગલે ગાઉઓના અંતરો પગપાળો કાપતો, અમદાવાદ મુંબઇ અથવા વડોદરામાં ભટકતો, ગમે તેમ કરીને પણ પોતાના પ્રીતિપાત્ર યુવાનનો એ વિકાસનો માર્ગ ઉઘાડી દેતો.