ભાસ્કરની આવી લગ્નદૃષ્ટિમાંથી જ ઊભો થયો હતો વીરસુત અને કંચનનો લગ્નસંસાર.
વીરસુતની પહેલી પત્ની ગામડિયણ હતી, અને લગ્ન પણ હાઇસ્કુલના ભણતર દરમિયાન થયેલાં. એક તો પત્ની ગામડાના સંસ્કારવાળી, તેમાં પાછુંં તેણે વીરસુતને લગ્ન પછી વહેલામાં વહેલી તકે બાળક આપ્યું. વીરસુત અમદાવાદ કોલેજમાં ભણતો, સ્ત્રી અને બાળક પિતાને ઘેર સચવાતાં. રજાઓમાં વીરસુત ઘેર આવતાં ડરતો હતો. બીજું બાળક- ત્રીજું બાળક- માથે પડવાની ફાળ ખાતો એ થોડા દિવસ મુંબઈ, થોડા દિવસ છૂટક છૂટક મિત્રોને ગામ અને થોડા દિવસ પોતાને પિતૃગામ ગાળતો.
પિતાને ઘેર જતાં પહેલાં એ હંમેશાં એક શર્ત કરતો કે પિતાએ સ્ત્રીને બાળક સહિત એના પિયરમાં મોકલી દેવી, નહિ તો નહિ આવી શકાય. પિત પોતે ભણેલા ગણેલા એટલે પુત્રનો ભય સમજી ગયા હતા. સમજીને પુત્રની ઇચ્છાને અનુસરતા, બેશક વીરસુત પોતાની પત્ની પાસે સાસરે એકાદ આંટો જઈ આવતો. જૂની રૂઢિનાં સાસરાં જમાઈ-દીકરીને જુદું શયનગૃહ ન દઈ શકતાં એ પણ વીરસુતને માટે સલામતીની વાત હતી.