આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૬૦ : તુલસી-ક્યારો


ચાલુ થઈ ચૂકી હતી. વીરસુતની આંતરવેદનાના જાણભેદુ ભાસ્કરે જ વીરસુતને ભવિષ્યના Future Complications-ના નવા ગૂંચવાડા ન ઉમેરવા માટે માટે બ્રહ્મચર્ય પાળવાની ગાંઠ બંધાવેલી. ભાસ્કરે વીરસુતને ચેતાવી પણ રાખેલો, કે "ભાઈ, તારો 'કરીઅર'-તારી ઉજ્જવલ કારકીર્દી જો ચૂંથી ન નાખવી હોય તો આ જૂંનાં ઢીંગલાં ઢીંગલીનાં લગ્નને તારે કોઈક દિવસ- જેમ બને તેમ જલદી- તિલાંજલિ આપવી જ જોશે; હું સમજું છું કે તારે હ્રદયને વજ્રનું કરવું પડશે. તારાથી જો બની શકે તો તારી ગ્રામ્ય પત્નીને પણ પોતાના મનફાવતા અન્ય સ્થાને પરણવા તૈયાર કરવી પડશે. અને એ કામ તો પાછું સૌથી વધુ કઠિન છે. જૂના સંસ્કારની સ્ત્રીઓ, તેમાં પણ પાછી વાણિયા બ્રાહ્મણની પરજીવી-પરાશ્રયી-પોતે ન રળી શકતી પત્નીઓ એટલી બધી તો ગુલામ લાગણીવાળી બની ગઈ હોય છે, કે પતિ નવી સ્ત્રી લાવશે તેય સહી નહિ શકે, પતિ ઘરનો આશરો પણ છોડી નહિ શકે, નહિ પતિ સામે અદાલતમાં તકરાર કરી જીવાઈ મેળવી શકે, અને છેલ્લામાં છેલ્લું, નહિ પોતાના બાળકથી છૂટી પડી શકે. બીજી બાજુ એ આપઘાત સાવ સહેલાઈથી કરી શકશે, ને તું એને ફરી પરણવાની વાત કરીશ તો તો વાઘણ બની ઘૂરકશે- પણ ગામડાંમાં છૂપા સંબંધો રાખતાં નહિ અચકાય.'

ભણી ઊતરવા આવેલા વીરસુતને ભાસ્કરનો આ એકેએક શબ્દ સચોટ કલેજે ચોંટેલો. પોતે પત્નીના મદમસ્ત શરીર પર ટકોર કરેલી તે પણ આ છેલ્લી શંકાને લીધે જ. ને એણે પત્ની પાસે જઈ આ તમામ ચોખવટ કરી નાખવા બીસ્તર પણ બાંધી રાખેલું. મનમાં કડીબંધ દલીલો પણ ગોઠવી રાખેલી. સ્ત્રીએ શા માટે પોતાનો બગડેલો ભવ સુધારી લેવા પુરૂષના જેટલી જ સ્વતંત્ર, નવી લગ્ન-પસંદગી કરવી, એ મુદ્દા પર પત્નીને એકાએક આઘાત