આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
લગ્ન : જૂનું ને નવું : ૬૧


ન લાગે તેવી સિફ્તથી સમજાવવા પોતે સુસજ્જ બનેલો. ત્યાં તો એને સ્ત્રીના અવસાનના ખબર મળ્યા, ને તેને તે બાપડીના સદ્ગુણો યાદ આવ્યા. ગામડિયણ છતાં કહ્યું માનનારી હતી એ વાત એણે સ્નેહી મંડળમાં વારંવાર કહી. બ્રહ્મચર્ય પાળવાના મુદ્દા પર એણે જે સંસ્કાર બતાવ્યો તે તો ક્રાંતિકારી હતો એમ પણ એણે જે જેને કહી શકાય તેમને કહ્યું, અને એકદમ ખરખરો પતાવીને જેને વળતી જ ટ્રેનમાં પાછા ચાલ્યા જવું હોય તેવા માણસની માફક એણે ટૂંક સમયમાં જ સ્ત્રીના ગુણોનું સ્મરણ પતાવી દઈ નવા સંસ્કારી લગ્નસંસારની વાટ મોકળી નિહાળી હતી.

'હવે પતી ગયા પછી મને તાર કરીને તેડાવવાની શી જરૂર હતી?' આવો પ્રશ્ન વીરસુતે પોતાની પત્નીના અવસાન બાદ ઘેર પહોંચીને પિતાને કર્યો હતો.

'બીજું તો શું, આપણે સૌ સાથે હોઈએ તો દુઃખ વીસરીએ, તને અણધાર્યો આઘાત ન લાગે; ને આ દેવ નજર સામે રમતો હોય તો તારા મનને ખાલી ખાલી ન લાગે, તેટલા ખાતર.' માસ્તર સાહેબે માળાનો બેરખો ફેરવતે ફેરવતે સામે રમતાં પાંચ-છ વર્ષના દેવુની ઓશિયાળી આકૃતિ બતાવીને જવાબ દીધો હતો. પણ વીરસુત તો દેવુને પોતાની પ્રેમહીન, વ્યભિચારરૂપી લગ્નનું પાપ-ફળ માનતો એટલે એની સામે ય જોયું નહિ.

થોડે જ દિવસે અમદાવાદથી ભાસ્કરનો તાર આવ્યો હતો : 'ફસાઈ જતાં પહેલાં અહીં ચાલ્યો આવ.'

પણ પિતાએ વીરસુતને છોડ્યો નહિ. 'હું એકલો પડીશ તો મારું દિલ મુંઝાશે' એમ કહીને રોક્યો હતો. પછી બારમો દિવસ થયો ત્યારે પિતાએ વીરસુતને પાસે બેસારી એકાંતે વાત કરી : 'જો ભાઈ, વહુ ગઈ તેનું દુઃખ તને ય હશે, મને ય છે. મારૂં તો સ્વાર્થનું દુઃખ છે કેમ કે